હિન્દ મહાસાગરના હાર્દ સમા વિસતારમાં રહેલા અતિવ્યૂહાત્મક દ્વિપ સમુહ માલદીવના વિદેશ મંત્રી મૂસા ઝમીર ભારતની યાત્રાએ આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો વણસી ગયા હોવાથી તેઓ બંને દેશના સંબંધો ફરી સુધારવા ભારતની મુલાકાતે ઝમીર આવી પહોંચતાં, ભારતના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે તેઓને ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો. આ પછી બંને દેશોના વિદેશ મંત્રીઓ પોતપોતાના પ્રતિનિધિ મંડળો સાથે મળ્યા હતા. તેમજ એક થી એક મંત્રણાઓ પણ કરી હતી. તે દરમ્યાન બંને દેશોનાં હિતો અને અન્ય સંવેદનશીલ પ્રશ્નોની ચર્ચા કરી હતી.
સૌથી વધુ ઉલ્લેખનીય તો તે છે કે, મોહમ્મદ મોઇજુએ ગત વર્ષના સપ્ટેમ્બરમાં સત્તા ગ્રહણ કર્યા પછી, તેમણે લીધેલા ચીન તરફી વલણ વિષે જયશંકરે કોઇ ઉલ્લેખ જ કર્યો ન હતો. તેને બદલે તેઓએ ‘નેબર ફર્સ્ટ’ (પાડોશી પહેલો) તેવી ભારતની નીતિ કેન્દ્રમાં રાખી મંત્રણાઓ આગળ ધપાવી હતી. આ સાથે જયશંકરે મૂસા ઝમીરને ભારતે તેમના દેશને દરેક કટોકટીઓ સમયે આપેલી સહાયની યાદ આપી હતી અને કહ્યું હતું કે જ્યારે જ્યારે માલદીવને જરૂર પડી છે, ત્યારે ત્યારે ભારત જ સૌથી પહેલું તેની સહાયે દોડયું છે. તે સાથે તેઓએ તેમ પણ કહ્યું હતું કે તે દ્વારા ભારતે તેનો પાડોશી ધર્મજ બતાવ્યો છે. તે સાથે, ભારતે હાથ ધરેલી SAGAR યોજના વિષે પણ વિશ્લેષણપૂર્વક માહિતી આપી હતી
ચીનની ચઢામણીથી માલદીવના એરપોર્ટસ અને મહત્વના બંદરોની સલામતીની દેખરેખ માટે ભારતના ૮૮ ચુનંદા સૈનિકો, માલદીવમાં મોકલ્યા હતા. તેમને ભારત પાછા ફરવા માટે પ્રમુખ મુઇજુએ તા. ૧૦મી મેની અંતિમ રેખા આપી હતી. ભારતે તે પહેલાં જ તેના જવાનોને પાછા બોલાવી લીધા છે. બીજી તરફ મુઇજ્જુનાં વલણથી ભારતમાંથી માલદીવ જતા પ્રવાસીઓમાં ૫૮ ટકાનો ઘટાડો થતાં તેને ઘણો મોટો આર્થિક ફટકો પડતાં, હવે માલદીવ ભારત સાથે સંબંધો સુધારવા આતુર થયું છે.