દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને EDએ પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. EDએ દિલ્હી લિકર પોલિસીથી જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં તેમને 21 ડિસેમ્બરે હાજર થવા માટે કહ્યું છે. આ મામલે કેજરીવાલને EDનું આ બીજું સમન્સ છે. આ પહેલા 2 નવેમ્બરે અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે EDએ નોટિસ મોકલી હતી, પરંતુ તેમણે નોટિસને ગેરકાયદે ગણાવીને પરત લેવાની માંગ કરી હતી. કેજરીવાલ આ દિવસોમાં મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીને લઈને રોડ શોમાં સામેલ થયા હતા.
અરવિંદ કેજરીવાલને સમન્સ એવા સમયે મોકલાવ્યું છે, જ્યારે તેઓ વિપશ્યના કેન્દ્ર જવાના છે. શનિવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 10 દિવસ વિપશ્યના ધ્યાન કાર્યક્રમમાં સામેલ થશે. અધિકારીઓએ કહ્યું કે, કેજરીવાલ દિલ્હી વિધાનસભાના શિયાળુ સત્ર સમાપ્ત થયાના એક દિવસ બાદ 19 ડિસેમ્બરે રાષ્ટ્રીય રાજધાનીથી રવાના થશે. મુખ્યમંત્રી લાંબા સમયથી વિપશ્યનાનો અભ્યાસ કરી રહ્યા છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં બેંગલુરુ અને જયપુર સહિત કેટલાક સ્થળો પર જઈ ચૂક્યા છે.
કયા આપ નેતાની થઈ ચૂકી છે ધરપકડ?
લિકર પોલિસીથી જેડાયેલ મની લોન્ડ્રિંગ કેસમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને આપના રાજ્યસભા સાંસદ સંજય સિંહ કસ્ટડીમાં છે. અન્ય આરોપીઓની પૂછપરછના આધારે ED કેજરીવાલને સવાલ-જવાબ કરવા માંગે છે.
ગત નોટિસ પર આપે શું કહ્યું હતું?
લિકર પોલિસી કેસ મામલે પોતાના નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહીને આપ રાજકીય ષડયંત્ર બતાવી રહી છે. આપનું કહેવું છે કે, ભાજપ રાજકીય બદલા માટે પાર્ટીને ખતમ કરવા માંગે છે. ગત વખત જ્યારે મુખ્યમંત્રી કેજરીવાલને ઈડીએ નોટિસ મોકલી તો આપએ કહ્યું હતું કે, જેલ મોકલવાનું ષડયંત્ર છે. અમે જેલથી જ દિલ્હીમાં સરકાર ચલાવીશું. તેના માટે પાર્ટી કેમ્પેઈન પણ શરું કર્યું.