શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં પ.પૂ.ધ.ધુ.1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃત મહોત્સવ અંતર્ગત સાળંગપુર ધામ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રાણ-પ્રતિષ્ઠા થયાને 175 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય અને દિવ્ય શતામૃત મહોત્સવમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા સભામાં ઉપસ્થિત થયા હતા. દાદાના દર્શન કરી કથા મંડપમાં પધાર્યા હતા.
તેમણે શત્તામૃત મહોત્સવમાં સંબોધન કરતા કહ્યું કે, શતામૃત મહોત્સવ પ્રસંગે સાળંગપુર ધામને જેને 175 વર્ષ પૂર્ણ થાય છે અને 175 વર્ષ સુધી દાદાના આશીર્વાદ મેળવી જેને પોતાનું જીવન દૈદિપ્યમાન કર્યું છે તેમને એવા સૌસંતો અને અહીં પધારેલા હરિભક્તો.
અત્રે હરિપ્રકાશદાસ સ્વામી અને કોઠારી વિવેકસાગર સ્વામી તથા અથાણાવાળા સ્વામીનું મંડળ અને અહીં ઉપસ્થિત વડીલ સંતો. તમે જે કથા અમૃત સાંભળ્યું તેમાં વિશેષ મારે કંઈ કહેવાનું હોય નહીં. તેઓ જ્યારે ભજન કરતા હતા ત્યારે તેમાં એક એવી કડી હતી કે, હનુમાનજીની વાત કરતા જેમને રામને પણ રુણી રાખ્યા, ભગવાન રામ પણ જેનું ઋણ ચૂકવી શક્યા નથી. તેવા અનન્ય કર્મવીર હનુમાનજી હંમેશા સૌને ખૂબ સુખી રાખે. એવા સંતોના આશીર્વાદ પણ આપણે સાંભળ્યા.
મિત્રો જિંદગીમાં જીવવું હોય તો આપણે અહીંના એક જ પ્રસંગમાંથી બોધ લેવો જોઈએ. આખા સભા મંડપમાં અનેક સંતો બેઠા હોય પણ જે વ્યાસપીઠ પર બેઠા હોય તે શ્રેષ્ઠ સંત કહેવાય. પણ એ સંતનો અભિમાન નહીં એની નમ્રતા જુઓ કે આ કથા દ્વારા મારાથી કંઈ ભૂલ થઈ હોય કોઈને માઠુ લાગ્યું હોય તો હું બે હાથ જોડી માથું નમાવી ક્ષમા યાચું છું. મિત્રો આ સંસ્કારિતાની વાત છે.
આ સંતો દ્વારા જ આપણા હિન્દુસ્તાનમાં આપણો ધર્મ સચવાયેલો છે. વ્યક્તિ ગમે એટલો મહાન હોય પણ એનામાં હિન્દુત્વ હોય અને જેણે ભગવું કપડું ધારણ કર્યું હોય તેને અચૂક નમન કરે છે. મિત્રો જીવવું હોય ને તો આપણી ભારતીય સંસ્કૃતિમાં ત્યાગ કરવો એ મોટામાં મોટી વસ્તુ છે. જિંદગીમાં જેટલો ખવડાવવાનો આનંદ છે એટલો ખાવાનો નથી. ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે “ કર્મની વાધિકા રસ્તે મા ફલેશું કદાચન” એટલે એ વ્યક્તિ તું કર્મ કરે જા ફળની આશા રાખમાં. હનુમાનજી શ્રી રામ સાથે જ્યારે અયોધ્યા પાછા ફરે છે ત્યારે આપવામાં આવેલી મોતીની માળામાં ભગવાન શ્રીરામની પ્રતિમા શોધે છે. જેની અંદર રામ નથી એ હનુમાનજી માટે ગૌણ વસ્તુ છે એવો જવાબ આપે છે.
મિત્રો આપણા જીવનમાં જેનામાં ધર્મ નથી ને તે એક જીવતું જાગતો માણસ પશુ સમાન છે. “ધર્મો રક્ષતિ રક્ષિત:” જે ધર્મનું રક્ષણ કરે છે તેનું રક્ષણ ધર્મ કરે છે. હંમેશા ધર્મમય જીવન જીવવું. જે લોકો ધર્મમય જીવન જીવે છે તેમને ખ્યાલ હશે કે જીવનમાં અભિમાન લાવવાથી શું થાય છે. હું સાળંગપુરવાળા હનુમાનજી દાદાને હાથ જોડીને આશીર્વાદ માગું છું કે તમે એવા આશીર્વાદ આપો કે અમે હંમેશા લોક સેવાના કામ કરતા રહીએ.