ચકલાસી પોલીસ મથકની હદમાં આવેલા અને નડિયાદ તાલુકાના અલીન્દ્રા ગામે ભુવાગીરીનું કામ કરતાં એક યુવકને મારી નાખવા માટે તેમનાજ સગાભાઇ દ્વારા રૂ.૬૦ હજારની સોપારી આપવામાં આવી હતી. આ ગુનામાં સોપારી ફોડનારે યુવકને તેનાજ ઘરે મેડા ઉપર લઇ જઇ માથામાં ડંડા મારી લોહીલુહાણ હાલતમાં મુકી ફરાર થઇ ગયો હતો. જે સંદર્ભે ઇજાગ્રસ્તની માતાએ નોંધાયેલી ફરિયાદમાં એકજ સપ્તાહમાં ચકલાસી પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલીને ચાર ઇસમોની ધરપકડક કરી સનસનાટી મચાવી દીધી છે.
મળતી વિગતો જોઇએ તો નડિયાદ તાલુકાના અલીન્દ્રાગામના રામજી મંદિર પાસે રહેતા ભાવેશભાઇ મુનેશભાઇ ઉર્ફે જલાભાઇ ચૌહાણનાઓ ભુવાગીરીનું કામ કરતા હતા. તેઓના ઘરે તા.૭મી ફેબ્રુઆરીના રોજ એક ભાઇ આવ્યા હતા. તેઓએ હું અમદાવાદથી આવું છું અને મારુ કામ થઇ ગયું છે તેમ જણાવી આ મુનેશભાઇને તેમના મેળા ઉપર લઇ ગયા હતા. જ્યારે માતા ઉષાબેન તત્કાલીન સમયે ઘરકામ કરતા હતા. થોડીવાર બાદ આવનાર ઇસમ ઘરની બહાર મુકેલા બાઇક ઉપર ઉતરીને ફરાર થઇ ગયો હતો. જ્યારે ઉષાબેને મેડા ઉપર જોયું ત્યારે તેમનો પુત્ર ભાવેશ મુનેશભાઇને માથામાં લોહીના ધારા વહેતી સાથે બે-શુદ્ધ અવસ્થામાં પડેલો હતો. ત્યારે માતા ઉષાબેને ફોન કરીને તત્કાલીક તેને હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
બીજી તરફ ચકલાસી પોલીસ મથકે ઇપીકો કલમ ૩૨૬, ૩૦૭, ૧૨૦(બી), ૧૧૪, જીપીએક્ટ ૧૩૫ મુજબનો ગુનો નોંધાવીને અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી. આ સંદર્ભે ચકલાસી પોલીસ ઇન્સ્પે.પી.જે.પરમારે પોલીસવડા રાજેશકુમાર ગઢિયા સહિતના ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન લઇને સીસીટીવી ફુટેજ, ટેકનીકલ સર્વેલન્સ વગેરેની મદદ મેળવીને આ ગુનાનો ભેદ ઉકેલવા માટેની તજવીજ હાથ ધરી હતી. જેમાં આરોપીઓ ગીરીશભાઇ મહેશભાઇ જબાભાઇ ચૌહાણ તે ભાવેશનો સગો ભાઇ થતો હતો. આ ભાવેશ વારંવાર ગીરીશભાઇની પત્નીને હેરાન પરેશાન કરતો હતો. તેથી તેનું ખુન કરી નાખવા માટે ગીરીશભાઇ, તેમના સસરા રંગાભાઇ ચંદુભાઇ ઝાલા, સુરેશભાઇ ઝાલાનો સંપર્ક કરીને અમદાવાદ રહેતા પૃથ્વીરાજ મોહનભાઇ મનસુખભાઇ સોલંકીનાઓને રૂ.૬૦ હજારની સોપારી આપી હતી. આ સોપારીમાં ભાવેશનું ખુન કરી નાખવાનું સુચવ્યું હતું. જેથી પૃથ્વીરાજ સોલંકીએ ભાવેશના ઘરે આવીને તેને લાકડાના ડંડા વડે માથામાં ફટકા મારીને ફરાર થઇ ગયો હતો. સદનસીબે ભાવેશ બચી ગયો હતો.
આ બાબતે નોંધાવેલી ફરિયાદના આધારે સોપારી ફોડનાર પૃથ્વીરાજ સોલંકી, ગીરીશભાઇ મુનેશભાઇ ચૌહાણ, સસરા રંગાભાઇ ચંદુભાઇ ઝાલા અને સુરેશભાઇ પુનમભાઇ ઝાલા આ ચારેય ઇસમોની ધરપકડ કરીને પોલીસે માત્ર એક સપ્તાહમાં આ ખુનની કોશીષનો ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. જેમાં પત્નીને રંજાડતા સગા ભાઇની રૂ.૬૦ હજારની ખુન કરવા માટે સોપારી આપનાર ભાઇ તથા તેના સસરાની પણ ધરપકડ થતાં સનસનાટી મચી ગઇ હતી.