ભાવનગર શહેરમાં સ્વચ્છ અને આધુનિક જાહેર પરિવહન તરફ મહત્વપૂર્ણ પગલું ભરતા પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત 50 ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપવામાં આવી છે. આ પહેલનો મુખ્ય હેતુ ભારતના શહેરોમાં પર્યાવરણમિત્ર, વિશ્વસનીય અને ટકાઉ પરિવહન વ્યવસ્થા વિકસાવવાનો છે. ઇલેક્ટ્રિક બસોના ઉપયોગથી પ્રદૂષણમાં ઘટાડો, ઇંધણ ખર્ચમાં બચત અને શહેરી પરિવહનમાં આધુનિકીકરણને પ્રોત્સાહન મળશે.
પીએમ ઇ-બસ સેવા યોજનાના પ્રારંભિક તબક્કામાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના નાગપુર, ચંડીગઢ અને આસામના ગુવાહાટીમાં પણ બસો ફાળવવામાં આવી છે. ગુજરાતમાં આ યોજનાના અમલીકરણ માટે ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM) ને રાજ્ય નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે, જે શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ સાથે સંકલન કરીને પ્રોજેક્ટ આગળ વધારશે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે આસામથી વર્ચ્યુઅલ માધ્યમથી પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત ભાવનગર શહેરમાં 50 ઇ-બસોનું ફ્લેગ-ઓફ કરાવી લોકાર્પણ કર્યું હતું.
ઇલેક્ટ્રિક બસોના ઉપયોગથી સ્વચ્છ, વિશ્વસનીય અને ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે પીએમ ઇ-બસ સેવા એક મહત્વપૂર્ણ પહેલ… pic.twitter.com/qrmE80lYwi
— CMO Gujarat (@CMOGuj) February 14, 2026
રાજ્ય સરકારના આયોજન મુજબ આગામી સમયમાં ગુજરાતના આઠ શહેરોમાં કુલ 750 ઇલેક્ટ્રિક બસો દોડાવવાનો પ્લાન છે. તેમાં વડોદરામાં 250, રાજકોટમાં 100, ભાવનગરમાં 100, ગાંધીનગરમાં 100, જામનગરમાં 50, જુનાગઢમાં 50, ગાંધીધામમાં 80 અને નવસારીમાં 20 બસોનો સમાવેશ થાય છે. ભાવનગર ગુજરાતનું પહેલું શહેર બન્યું છે જ્યાં આ યોજના હેઠળ 50 ઇ-બસોની શરૂઆત થઈ છે, અને કુલ 100 બસો દ્વારા શહેરના જાહેર પરિવહનને વધુ મજબૂત બનાવવામાં આવશે.
આ ઇલેક્ટ્રિક બસો એરકન્ડિશન્ડ સુવિધા સાથે સજ્જ છે અને દિવ્યાંગજનોને અનુકૂળ ડિઝાઇન ધરાવે છે. મુસાફરોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા સહિત આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ઇલેક્ટ્રિક બસો માટે જરૂરી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નિકલ સુવિધાઓ વિકસાવવામાં ગુજરાત અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે, જે રાજ્યને ગ્રીન ટ્રાન્સપોર્ટેશન તરફ આગળ ધપાવશે.
કેન્દ્ર અને રાજ્ય સરકારના સંકલિત પ્રયાસોના ભાગરૂપે પીએમ ઇ-બસ સેવા યોજના દેશભરમાં પર્યાવરણમિત્ર પરિવહનને પ્રોત્સાહિત કરતી મહત્વપૂર્ણ પહેલ બની રહી છે, જેનાથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો અને સ્માર્ટ સિટી વિકાસને નવી દિશા મળશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel