મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં એક કિશોરી સાથે થયેલી નૃશંસ દુષ્કર્મની ઘટના સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી રહી છે. પોલીસે આપેલી માહિતી મુજબ આ ઘટના 4 ઑક્ટોબરના રોજ બની હતી, જ્યારે કિશોરી શનિવારે રાત્રે ચાલવા નીકળી હતી. તે સમયે પવન ઠાકોર અને વિજય ઠાકોર નામના બે શખ્સોએ કિશોરીનું અપહરણ કર્યું હતું. બંનેએ કિશોરીને અવાવરું સ્થળે લઈ જઈને તેની સાથે બળાત્કાર કર્યો અને બાદમાં શહેરના ત્રણ ટાવર નજીક તેને છોડીને ભાગી ગયા.
પરંતુ દુર્ભાગ્ય એ રહ્યું કે કિશોરી જ્યારે ઘર તરફ જતી હતી, ત્યારે પવન ઠાકોર ફરી એકવાર પોતાના બીજા મિત્ર સોહમ ઠાકોર સાથે ત્યાં આવ્યો. બંનેએ કિશોરીને બળજબરીથી એક ઓફિસમાં લઈ જઈ ફરીથી દુષ્કર્મ આચર્યું. ત્યારબાદ કિશોરીને આદર્શ શાળા નજીક ઉતારી દેવામાં આવી હતી. કિશોરી આ ઘટનાથી હેરાન-પરેશાન હાલતમાં પોતાના ઘર તરફ જઈ રહી હતી, ત્યારે પ્રકાશ મોદી નામના શખ્સે તેને રસ્તામાં રોકી બળજબરીપૂર્વક પોતાના ઘરે લઈ ગયો હતો. પ્રકાશ મોદીએ પણ કિશોરીને બે દિવસ સુધી પોતાના ઘરમાં ગોંધી રાખી અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું.
આ સમગ્ર ઘટનામાં કિશોરી પર કુલ પાંચ નરાધમોએ અલગ-અલગ સ્થળોએ બળાત્કાર આચર્યો હતો. કિશોરી છેલ્લા બે દિવસથી ગુમ હતી, જેના કારણે પરિવારજનો અને પોલીસ તેની શોધખોળમાં લાગ્યા હતા. જ્યારે કિશોરી મળી આવી ત્યારે પોલીસ અને પરિવાર દ્વારા પૂછપરછ કરતા આ હ્રદયદ્રાવક ઘટના બહાર આવી.
વિસનગર પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી છે અને પવન ઠાકોર, વિજય ઠાકોર, રાજ ઠાકોર, સોહમ ઠાકોર, પ્રકાશ મોદી અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસએ પોક્સો (POCSO), દુષ્કર્મ અને અપહરણની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરીને આરોપીઓને પકડી પાડવા માટે ચુસ્ત તપાસ શરૂ કરી દીધી છે.
પોલીસ મુજબ, આ કેસમાં અનેક જગ્યાએથી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને કિશોરીનું તબીબી પરીક્ષણ પણ કરાયું છે. આ ઘટનાએ વિસનગર સહિત સમગ્ર મહેસાણા જિલ્લામાં લોકોમાં રોષ ફેલાવ્યો છે અને નાગરિકોએ દોષિતોને કડક સજા આપવાની માંગ ઉઠાવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel