મલેશિયામાં ગ્લોબલ વર્લ્ડ શેફ દ્વારા આયોજિત વર્લ્ડ કલિનરી કપમાં ભારતીય શેફ્સે રસોઈના વિશ્વ મંચ પર એક વાર ફરી ભારતનો ગૌરવ વધાર્યો છે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં 28 દેશોના 1700થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં ભારતીય ટીમે પોતાના વિશિષ્ટ અને પરંપરાગત વ્યંજનો દ્વારા અનોખું પ્રદર્શન કર્યું. “ઇન્ડિયન કૂઝિન” કેટેગરી હેઠળ ભારતીય ટીમ દ્વારા તૈયાર કરાયેલ ગુજરાતી થાળીએ ગોલ્ડ મેડલ જીત્યો — જે માત્ર સ્વાદ માટે નહીં, પણ તેનું આધુનિક પ્રેઝન્ટેશન, હાઇજિન, સમય સંચાલન અને રસોઈની ટેક્નિકલ બારકી પર પસંદગી જમાવતો રહ્યો.
ગુજરાતી થાળી “ટીમ ઓફ થ્રી” દ્વારા માત્ર દોઢ કલાકમાં તૈયાર કરવામાં આવી હતી, જેમાં પંદર વિવિધ પરંપરાગત અને સ્વાદિષ્ટ વાનગીઓ શામેલ હતી. વરિયાળી શરબતથી આરંભ થતાં અને પાન સાથે અંતે પૂર્ણ થતી આ થાળીમાં પાત્રા, બેક્ડ હાંડવો, મગનું શાક, જીરા બટેટા, પુરી, ફાડા ખીચડો, દહીં તિખારી, ખજૂર-અંજીર પુરણપોળી, ટોપરાના લાડુ જેવી મનમોહક વાનગીઓનો સમાવેશ થયો હતો. સાથે જ પીનટ સેલડ, કાંદાનો લચ્છો અને કેરીનું અથાણું જેવી લઘુવાનગીઓએ થાળીને સજાવી હતી.
વિશેષ નોંધપાત્ર વાત એ રહી કે હિમાચલ પ્રકાશકુમાર મહેતા દ્વારા તૈયાર કરાયેલ “વર્લ્ડ પીસ” મોકટેઇલને પણ ગોલ્ડ મેડલ એનાયત થયો. તિરંગાના ત્રણ રંગોથી પ્રેરિત આ મોકટેઇલમાં પાનનો ક્રશ, દૂધ, એડીબલ કપૂર અને કેસરના પાણીનો ઉપયોગ કરીને માત્ર 15 મિનિટમાં અનોખી સ્મોકિંગ ઇફેક્ટવાળી પીણું તૈયાર કરાયું હતું, જે વિશ્વ શાંતિનો સંદેશ આપતી ઉત્કૃષ્ટ કલાત્મક રચના તરીકે ઊભરી.
ભારતને કુલ મળેલા મેડલ્સમાં 4 ગોલ્ડ, 8 સિલ્વર અને 14 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. ખાસ કરીને પંજાબી થાળીને મળેલ સિલ્વર મેડલ અને મોર્ડન એશિયન કૂઝિન કેટેગરીમાં મળેલા બે મેડલ (એક સિલ્વર અને એક બ્રોન્ઝ) ભારતીય રસોઈના વૈવિધ્ય અને આધુનિક અભિગમનું પ્રતિબિંબ છે.
ગ્લોબલ શેફ એસોસિએશનના પ્રમુખ શેફ આર્થર લિમે ભારતીય ટીમના પ્રયાસોનું વખાણ કરતાં કહ્યું હતું કે ભારતીય રસોઈ હવે માત્ર પરંપરાગત ભોજન પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તે વૈશ્વિક સ્તરે આત્મવિશ્વાસભર્યું પ્રદર્શન કરતી શક્તિશાળી કલિનરી ઓળખ બની રહી છે. હિમાચલ મહેતા અને તેમના સહયોગી શેફ્સે વૈશ્વિક સ્તરે માત્ર ભારતીય રસોઈના સ્વાદને નહિ પણ તેની વિશિષ્ટતા, ટેક્નિક્સ અને કલાત્મકતાને પણ ઉજાગર કરી — જે એક ઉત્સાહજનક અભિગમ છે અને વિશ્વમાં ભારતીય કૂઝિનની વધુ મજબૂત જગ્યા નિર્માણ કરી રહ્યો છે.