રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રિમ કોર્ટ, દિલ્હી દ્વારા લોક અદાલતના નિર્ધારિત વાર્ષિક કાર્યક્રમ મુજબ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદનાં આદેશાનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડીઆદનાં ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એન એ. અંજારીઆના અધ્યક્ષપણા અને માર્ગદર્શન હેઠળ તા.૧૪/૧૨/૨૦૨૪ શનિવારના રોજ જિલ્લા ન્યાયાલય, નડીઆદ મુકામે આવેલ કોર્ટો સહિત ખેડા જીલ્લાના તમામ તાલુકા મથકે કાર્યરત કોર્ટો ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ. આ તા.૧૪/૧૨/૨૦૨૪ નાં રોજની નેશનલ લોક અદાલત અગાઉ વધુમાં વધુ કેસોનો સમાધાન રાહે નિકાલ કરી શકાય તેવા ઉમદા હેતુસર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય નડીઆદના ફૂલ ટાઈમ સેક્રેટરી ડી બી. જોષીએ લોક અદાલતના લાભો વિષે માહિતી આપી જણાવ્યું હતું કે લોક અદાલત સમાજ માટે તકરાર નિવારણનો સુવર્ણ માર્ગ છે, લોક અદાલતમાં કેસનો નિકાલ થવાથી બંને પક્ષકારોને ઘરે દીવો પ્રગટે છે, લોક અદાલતમાં કેસોનો નિકાલ-ચુકાદો આખરી હોઈ અપીલની જોગવાઈ હોતી નથી, કોર્ટ ફીની રકમ કોર્ટ ફી એક્ટ મુજબ પરત મળવાપાત્ર છે, અન્ય કોઈ ખર્ચ થતો નથી જેથી વધુમાં વધુ લોકો લાભ લે તેવી અપીલ કરી હતી.
જેનાં સાર્થક પરિણામ સ્વરૂપ આ નેશનલ લોક અદાલતમાં કોર્ટોમાં ચાલી રહેલાં પેન્ડીંગ કેસોનાં નિકાલમાં જવલંત પરીણામ મળેલ છે. જેમાં મોટર વાહન અકસ્માત વળતરના 205 કેસોમાં રૂ.7,97,19,975/- નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138નાં ચેક રિટર્નના 676 કેસોમાં રૂ.10,80,28,953/-, એન.સી. પ્રકારનાં 692 કેસો, સ્પેશીયલ સીટિંગ ઓફ મેજીસ્ટ્રેટ કોર્ટમાં લાગુ પડતાં 2083 કેસો, બેંક/મની રિકવરીના 34 કેસોમાં રૂ.1,61,13,383/-, લગ્નવિષયક દાવાઓના 52 કેસોમાં રૂ.14,87,550/-, વીજળી-પાણી બિલ લેણાંનાં 412 કેસોમાં રૂ.52,58,057/-, અન્ય સિવિલ દાવાઓનાં 111 કેસોમાં રૂ.3,11,60,197/-, સમાધાનલાયક તથા અન્ય ક્રિમીનલ કેસોના 88 કેસોમાં રૂ.1,68,12,750/- તથા ફેમિલી કોર્ટના 351 મળીને 4704 કેસોમાંથી 10 વર્ષ જુના કુલ-12 કેસો જેટલાં પેન્ડિંગ કેસોની સાથે રાષ્ટ્રીયકૃત બેંકો, મધ્ય ગુજરાત વીજ કંપની, અન્ય નાણાકીય સંસ્થાઓનાં લેણી રકમના કોર્ટમાં દાખલ નહીં કરાયેલ તેવા પ્રિલિટિગેશન પ્રકારનાં 1483 કેસોમાં રૂ.2,73,16,043/- સહિત કુલ રૂ.28,58,96,908/- ની રકમનાં સમાધાન વળતરનાં કેસો, તથા ટ્રાફીક નિયમ ભંગને લગતાં ટ્રાફીક ચલણનાં 3094 કેસોમાં રૂ.28,60,850/- ની રકમ દંડ પેટે સરકાર ખાતે વસુલાત લઈને 28 કરોડથી વધુ સમાધાન-વળતરનાં કુલ-9281 કેસોનો નિકાલ કરવામાં આવ્યો.
આ લોક અદાલતમાં વિશેષ મોટર વાહન અકસ્માત વળતરના ફકત બે (02) જ કેસોમાં મોટર વાહન અકસ્માતમાં ગુજરનારનાં વરસદારો પરીવારજનોને કુલ રૂ.65,70,000/- ચૂકવવામાં આવ્યા, જેમાં ન્યાયાધીશઓ, કર્મચારીગણ, વકીલઓ, બેંકો, વીમા, ફાયનાન્સ કંપનીઓ, એસ.ટી. નિગમનાં પ્રતિનિધિઓ તથા પક્ષકારો સહિત તમામના સહયોગથી ઉત્કૃષ્ટ પરિણામ મળેલ છે તેવું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડીયાદ નાં ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એન એ. અંજારીઆની અખબારી યાદીમાં જણાવેલ છે.