પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુરુવારે કેન્દ્રિય કેબિનેટની બેઠક યોજાઈ. તેમાં ઘણી મોટા યોજનાઓને મંજૂરી આપવામાં આવી. એક તરફ દિવાળીની પહેલાં જ્યાં ખેડૂતોની આવક વધારવા માટે બે મોટી યોજનાઓને મંજૂરી મળી છે, ત્યાં બીજી તરફ રેલવે કર્મચારીઓને પણ બોનસ આપવા પર સહમતી આપી છે. બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની વિગત આપતાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના ઉપરાંત ખેડૂતો સાથે સંકળાયેલી ઘણી યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ચેન્નઈ મેટ્રો ફેઝ-2ને પણ મંજૂરી આપવામાં આવી છે.
દિવાળી પહેલા મોદી સરકારની ભેટ
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આજે કેબિનેટની બેઠકમાં જે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, તે ખેડૂતોની આવક વધારવા અને મધ્યમ વર્ગના લોકો માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. તે બે પાયા પર આધારિત છે – પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃષોન્તિ યોજના. આ બન્ને યોજનાઓ માટે 1,01,321 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. આ બન્ને યોજનાઓમાં 9-9 ઉપયોજનાઓ શામેલ કરવામાં આવી છે. તેમાંની ઘણી બાબતોનું સીધું કનેક્શન ખેડૂતોની આવક અને મધ્યમ વર્ગના પરિવારોની થાળી સાથે છે.
રેલવે કર્મચારીઓને બોનસનો ભેટ
તે ઉપરાંત રેલવે કર્મચારીઓને પણ બોનસની ભેટને મંજૂરી આપવામાં આવી છે. રેલવેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનને માન્યતા આપતાં કેબિનેટે 11,72,240 રેલવે કર્મચારીઓને 2028.57 કરોડ રૂપિયાની 78 દિવસની બોનસની ચુકવણીને મંજૂરી આપી છે. આ રકમ વિવિધ શ્રેણીના રેલવે કર્મચારીઓ જેમ કે ટ્રેક મેન્ટેનર, લોકો પાઇલટ, ટ્રેન મેનેજર , સ્ટેશન માસ્ટર, દેખરેખ કરનાર, ટેકનિશિયન, ટેકનિશિયન હેલ્પર, પોઈન્ટ્સમેન, મંત્રાલયના કર્મચારી અને અન્ય ગ્રુપ C કર્મચારીઓને આપવામાં આવશે.
ચેન્નઈ મેટ્રો ફેઝ 2ને પણ મંજૂરી
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ચેન્નઈ મેટ્રો ફેઝ 2ને પણ મંજૂરી આપવામાં આવી છે. તેના પર 63,246 કરોડ રૂપિયા ખર્ચાશે. આ ફેઝ 119 કિલોમીટરનો હશે. તેમાં 120 સ્ટેશનો હશે. તેના નિર્માણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારનો 50-50 ટકા હિસ્સો હશે. આ સાથે 5 ભાષાઓને ક્લાસિકલ ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. મરાઠી, પાળી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાને ક્લાસિકલ ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. તમિલ, સંસ્કૃત, તેલુગુ, કન્નડ, મલયાલમ અને ઓડિયા ભાષાઓને અગાઉથી જ આ દરજ્જો મળ્યો હતો.