કૈલાસ ગુરૂકુળ મહુવામાં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા યોજાયેલ જ્ઞાનસત્ર સમાપન પ્રસંગે મોરારિબાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી સાહિત્ય પ્રવૃત્તિને બિરદાવી, વ્યાકરણ જરૂરી અને આચરણ વધુ જરૂરી તેમ સંદેશો આપ્યો.
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા મહુવામાં કૈલાસ ગુરુકુળમાં ગુરુવારથી પ્રારંભ થયેલ ચાર દિવસીય જ્ઞાનસત્ર સમાપન પ્રસંગે મોરારિબાપુએ પોતાનાં માટે સાહિત્ય એ આહાર છે, ઔષધિ નહિ, તેમ જણાવી વ્યાકરણ જરૂરી અને આચરણ વધુ જરૂરી તેમ સંદેશો આપ્યો.
મોરારિબાપુએ પોતાની શ્રવણ અને સ્મૃતિ અંગે એક પૃચ્છા સંદર્ભે વાત કરતાં પોતાને પ્રિય રામકથાનો સાહિત્ય સંદર્ભ આપી બાલકાંડથી લઈ તમામ કાંડો ક્રમશઃ બાળકોથી લઈ તમામ માટેનું પ્રેરણાદાયી સાહિત્ય હોવાનું કહ્યું. પરિષદની સાહિત્ય સંવર્ધનની પ્રવૃત્તિ બિરદાવી આગામી આયોજન માટે પણ નોતરું આપી દીધું.
પરિષદ પ્રમુખ હર્ષદ ત્રિવેદીએ આ જ્ઞાનસત્ર પ્રસંગે ગુજરાતી ભાષા માટે સાહિત્ય સર્જન હેતુ સંસ્થાની કામગીરી જણાવી. તેમણે સમાજ નિર્માણ માટે ઉત્તમ સાહિત્ય નિર્માણ માટે હાકલ કરી.
સાહિત્ય પરિષદનાં અગ્રણીઓ યોગેશ જોષી, ભરત મહેતા તથા સમીર ભટ્ટે સમાપન ઉપક્રમ સંદર્ભે વાતો કરી. આ કાર્યક્રમમાં ઉપસ્થિતોએ દિવંગત સાહિત્યકારોને શ્રદ્ધાંજલિ પાઠવી.
જ્ઞાનસત્રમાં દસમી અને સવારની પ્રારંભની બેઠક ‘આનંદક્રીડા સમકાલીન સાહિત્યની’ અંતર્ગત ‘સાહિત્યનું સરવૈયું ૨૦૨૩’ પ્રસ્તુતિ થયેલ.
આ બેઠકમાં અધ્યક્ષ સ્થાને રહેલાં ડંકેશ ઓઝાએ કહ્યું કે, અંહિયા રજૂ થયેલ સાહિત્ય સરવૈયામાં યોગ્ય રીતે કેટલીક ચિંતાજનક સ્થિતિ સામે સૌને ઉત્તમ સાહિત્ય નિર્માણ માટે પણ ભાવ વ્યક્ત કર્યો.
અંહિયા અનુવાદ વિશે માલિની ગૌતમ, સંશોધન વિશે પ્રવીણ કુકડિયા, સંપાદન વિશે કિશોર વ્યાસ અને વિવેચન વિશે રાજેશ્વરી પટેલ દ્વારા સરવૈયા રજૂ થયાં. બેઠક સંચાલનમાં શિશિર રામાવત રહ્યાં હતાં.
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા કેટલાંક ઠરાવો પણ સામૂહિક બહુમતી સાથે પસાર કરવામાં આવ્યાં.
પરિષદ વતી સમીર ભટ્ટે આભાર વિધિ વ્યક્ત કરતાં મોરારિબાપુ દ્વારા મળેલ પ્રેરણાત્મક સહયોગ તેમજ કૈલાસ ગુરૂકુળ પરિવારનાં જયદેવભાઈ માંકડ, સાહિત્યકાર પ્રણવભાઈ પંડ્યા, નિલેશભાઈ વાવડિયા અને સાહિત્યકારો અને પ્રેમીઓ પ્રત્યે આભારની લાગણી જણાવી હતી.
કૈલાસ ગુરૂકુળ પરિવાર દ્વારા નીતિનભાઈ વડગામાએ વ્યક્ત કરેલ આભાર ભાવ દરમિયાન મોરારિબાપુનાં સૌજન્ય સહયોગ દ્વારા સાહિત્યકારો અને વિદ્યાર્થીઓ માટે થયેલ વ્યવસ્થાનો ઉલ્લેખ કરી આ જ્ઞાનસત્રમાં ભાગ લેનારા સૌ પ્રત્યે પ્રસન્નતા જણાવી.
જ્ઞાનસત્ર દરમિયાન પરિસરમાં સાહિત્યકાર પરિચય પ્રદર્શન ગોઠવાયું હતું તેમજ સાહિત્ય કેન્દ્ર પણ ખોલવામાં આવેલ. આ કાર્યક્રમમાં જોડાનારની તબિયત કાળજી હેતુ હનુમંત હોસ્પિટલ દ્વારા વિશેષ આરોગ્ય કેન્દ્ર પણ કાર્યરત કરાયેલ.