રાજ્યના દરેક ગામે હનુમાનજીનું નાનું કે મોટું મંદિર હોય છે. ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીને કળિયુગના દેવ પણ માનવામાં આવે છે. વલસાડ જિલ્લામાં આવેલા હનુમાનજી મંદિરમાં હનુમાનજી મૂર્તિ સ્વરૂપે નહીં પણ જીવંત હાજરા હજૂર હોય તે સ્વરૂપે પૂજાઈ રહ્યા છે. વલસાડના કલગામમાં આવેલું રાયણીવાળા હનુમાનજી મંદિર લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે.. શું છે રાયણીવાલા હનુમાનનો ઈતિહાસ અને કેવી રીતે જીવંત સ્વરૂપે તેઓ પૂજાય છે તે જોઇએ.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં દરિયા કિનારે આવેલું છે કલગામ.. કલગામ ખૂબ નાનું ગામ છે.. પણ આ ગામ ન માત્ર ઉમરગામ તાલુકો પરંતુ સમગ્ર વલસાડ જિલ્લા ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખૂબ જાણીતું છે.. કારણ કે આ નાનકડા ગામમાં બજરંગબલીનું અનોખુ મંદિર આવેલું છે. જે પરમ આસ્થાનું કેન્દ્ર છે. ગામમાં એક વિશાળ ઘટાદાર વૃક્ષ છે. વડના વૃક્ષની જેમ ઘટાદાર વિકસેલું ઝાડ આમ સામાન્ય વૃક્ષ લાગે છે પણ સામાન્ય લાગતા ઝાડને લોકો શ્રદ્ધાપૂર્વક ભગવાન તરીકે પૂજે છે. જે રાયણીનું ઝાડ છે.
વલસાડના કલગામમાં રાયણીવાળા હનુમાનજી બિરાજમાન
વર્ષો જુના રાયણીના ઝાડમાં હનુમાનજી મહારાજ બિરાજતા હોવાની લોકોની માન્યતા છે. સામાન્ય મંદિરોમાં હનુમાનજી મહારાજ મૂર્તિ સ્વરૂપે બિરાજમાન હોય છે. પણ આ મંદિરમાં હનુમાનજી રાયણીના ઝાડમાં પ્રગટ થયેલા હોવાના માન્યતા સાથે જીવંત સ્વરૂપે હનુમાનજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. હનુમાનજીના દર્શન કરવા લાખો શ્રદ્ધાળુ અહીં આવી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે..કલગામમાં આવેલું હનુમાનજીનું મંદિર રાયણીવાલા હનુમાનજી મંદિર તરીકે પ્રસિદ્ધ છે.
રાયણીવાલા હનુમાનજીની પ્રાગટ્ય કથા રોચક છે. હાલ જ્યાં રાયણીવાલા હનુમાનદાદા બિરાજમાન છે ત્યાં વર્ષો પહેલા ઉજ્જડ વન વગડો હતો. ન તો કોઈ વસ્તીનો વસવાટ હતો કે ના તો કોઈ ગામ.. એક રાત્રે વન વગડામાં પથ્થર ઉપર પથ્થર ગોઠવીને બનાવેલો એક ચોરો અને ચોરાની સામે એક પાકો કૂવો જોવા મળ્યો હતો. આજુબાજુના ગામના ખેડૂતો આ જંગલમાંથી ખેતરે જઈ રહ્યા હતા. ત્યારે તેમણે પથ્થરોથી બનેલો ચોરો અને કૂવો જોઈ આજુબાજુના દરેક ગામમાં વાત કરી કે જંગલમાં ચમત્કાર થયો છે.. એવું કહેવાય છે કે ચોરો અને કુવાનું નિર્માણકાર્ય સ્વયં હનુમાનદાદા અને અન્ય દેવી-દેવતાઓ દ્વારા કરવામાં આવ્યું ત્યારે રાત્રિના પાછલા પહોરમાં પરોઢે મરઘાનો અવાજ આવતા હનુમાન દાદા નિર્માણ કાર્ય અધૂરું મૂકીને રાયણીના ઝાડમાં સમાઈ ગયા હતા. ત્યારથી આ રાયણીના ઝાડમાં તેઓ સ્વયંમ જીવંત સ્વરૂપે બિરાજમાન થયા હોવાનું માની આસપાસના લોકો રાયણીના ઝાડને જ હનુમાનજીનું સ્વરૂપ માની રાયણીવાલા હનુમાન તરીકે પૂજવા લાગ્યા. જે પરંપરા હાલ યથાવત છે અને મંદિર રાયણીવાલા હનુમાન મંદિર તરીકે પ્રસિદ્ધિ પામ્યુ છે..
રાયણીનું ઝાડ 350 થી 400 વર્ષનું હોવાની માન્યતા
ઉમરગામના કલગામમાં આવેલા આ ઐતિહાસિક મંદિર પરિસરમાં આવેલો કૂવો ચમત્કારી હોવાની માન્યતા છે. જ્યાં લોકો પોતાની મનોકામના હનુમાનજી દાદા સમક્ષ વ્યક્ત કરી, સિક્કો કૂવામાં નાખે છે અને જ્યારે તેમની મનોકામના પૂર્ણ ત્યારે ફરી દાદાના દર્શને આવી તેમનો આભાર માની એક સિક્કો કુવામાં નાખે છે. મંદિરના પરિસરમાં આવેલા આ કુવા સાથે ભાવિકોની અતૂટ આસ્થા જોડાયેલી છે મંદિરે આવતા તમામ ભક્તો કુવામાં સિક્કો નાખી દાદા સમક્ષ પોતાની મનની વાત રજુ કરે છે. અને દાદા પણ ભક્તો પર સદાય આશીર્વાદ વરસાવી તેમની મનોકામના પૂર્ણ કરે છે .
કલગામના રાયણીવાલા હનુમાનજીના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓમાં દર વર્ષે વધારો થાય છે.. દર શનિવારે મંદિર પરિસરમાં મેળાનો માહોલ સર્જાય છે. વલસાડ જિલ્લા ઉપરાંત સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને પડોશી રાજ્ય મહારાષ્ટ્રની સાથે સમગ્ર દક્ષિણ ગુજરાતના હનુમાન ભક્તો ચમત્કારી હનુમાનજી મહારાજના દર્શન કરવા ઉમટે છે. અહીં આવી લોકોને શાંતિનો અનુભવ થાય છે. અને શ્રદ્ધાપૂર્વક દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.. રાયણીનું ઝાડ 350 થી 400 વર્ષનું હોવાનું લોકો માને છે.
મંદિર પરિસરમાં શ્રીકૃષ્ણ, રામ લક્ષમણ અને જાનકી પણ બિરાજમાન
દેશના ખૂણે ખૂણે હનુમાનજીના નાના-મોટા લાખો મંદિરો આવેલા છે. જ્યાં દાદા લાખો કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બને છે. અને હજારો વર્ષોથી દાદા સૌની મનોકામના પૂર્ણ કરતા હોવાની માન્યતા છે. જોકે અહીં હનુમાનજી મહારાજને લોકો જીવંત સ્વરૂપે બિરાજતા હોવાનું માને છે. એટલે કલગામના હનુમાનજી મહારાજની વિશેષ કૃપા ભક્તો પર વરસી રહી છે.
મંદિર પરિસરમાં શ્રીકૃષ્ણ, રામ લક્ષમણ અને જાનકી પણ બિરાજમાન છે. અહીં આવતા ભક્તો રામ ભગવાન અને શ્રી કૃષ્ણના દર્શનનો અચૂક લ્હાવો લે છે. મંદિરમાં ગણેશજીની મનમોહક મૂર્તિ બિરાજમાન છે. જિલ્લાભરના ભક્તો એક જ પરિસરમાં અનેક દેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. રાયણીવાલા હનુમાનજીની એક ઝલક જોવા દૂરદૂરથી ભાવિકો મંદિરો આવે છે. અને હનુમાન ચાલીસાનું પઠન કરી ધન્યતા અનુભવે છે .
હનુમાનજી મહારાજના અનેક નાના-મોટા મંદિરમાં વિવિધ સ્વરૂપે દાદાના દર્શન થાય છે. પણ જીવંત સ્વરૂપે દર્શન તો વલસાડમાં ઉમરગામના કલગામે રાયણીવાલા હનુમાનજી મહારાજના થાય છે. અને દાદા દરેક ભાવિકોની મનોકામના પણ પૂર્ણ કરે છે. દર શનિવારે મંદિર પરિસરમાં હજ્જારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડે છે. પરિસરમાં પગ મુકવાની પણ જગ્યા મળતી નથી દાદાના મંદિરમાં ભાવ ભક્તિથી હનુમાન ચાલીસાનું પઠન કરવાથી દાદા આધિ વ્યાધિ અને ઉપાધિ હરિ લેય છે.
રાયણીવાલા હનુમાનજી મહારાજની કૃપા સમગ્ર ગામ પર સદાય રહે છે. દાદાની કૃપાથી ગ્રામવાસીઓમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હોવાની માન્યતા છે. હનુમાનદાદા હાજરા હજૂર સ્વરૂપે અહીં બિરાજતા હોવાથી દાદાના આશીર્વાદની સાથે અન્ય સ્વરૂપે પણ તેમને મદદ કરી રહ્યા હોય તેવું મનાય છે. મંદિર પરિસરની આજુબાજુ નાની મોટી દુકાનો ચલાવતા ગામના પરિવારો પોતાને મળતી રોજીરોટી માટે દાદાના આશીર્વાદની હોવાની માન્યતા ધરાવે છે..