કોરોના વાયરસે ફરી એકવાર દેશમાં અનેક લોકોને ઝપટમાં લેવાનું શરૂ કર્યું છે. તેની પાછળ મુખ્ય કારણ આ વાયરસનું નવું વેરિયન્ટ JN.1 મનાઈ રહ્યું છે. જોકે હવે ગભરાવાની જરૂર નથી કેમ કે એવા સમાચાર મળી રહ્યા છે કે ટૂંક સમયમાં જ JN.1 વેરિયન્ટ માટે પણ વેક્સિન આવશે.
સીરમ ઈન્સ્ટિટ્યૂટે કરી તૈયારી!
માહિતી અનુસાર કેટલાક અહેવાલોમાં દાવો કરાયો છે કે પૂણેમાં આવેલી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા જલદી જ ભારતમાં નવા JN.1 વેરિયન્ટની વેક્સિન માટે અરજી કરવાની તૈયારીમાં છે. કંપનીના પ્રવક્તાનું કહેવું છે કે સીરમ ઈન્સ્ટિટ્યૂટ હાલમાં કોરોનાના XBB1 વેરિયન્ટ માટે એક વેક્સિન રજૂ કરી શકે છે. જે JN.1 વેરિયન્ટ જેવું જ છે. આવનારા મહિનાઓમાં અમે ભારતમાં આ વેક્સિન માટે લાયસન્સ મેળવવાનું લક્ષ્ય ધરાવીએ છીએ. રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે નિયામકોને સોંપ્યા બાદ દસ્તાવેજો લોકો સાથે શેર કરવામાં આવશે.
કોવિશીલ્ડ પણ સીરમે તૈયાર કરી હતી
અદાર પૂનાવાલાના નેતૃત્વ હેઠળની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોવિશીલ્ડ વેક્સિન બનાવી હતી જેનો ભારતમાં કોરોના મહામારી દરમિયાન પ્રથમ અને બીજી લહેર વખતે વ્યાપક રીતે ઉપયોગ કરાયો હતો. તેને ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા દ્વારા વિકસિત કરાઈ હતી.