ખેડા જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર અને સેવાલિયાની મધ્યમાં આવેલી ગળતેશ્વર મહીસાગર નદીમાં સ્નાન કરવા ગયેલા હલધરવાસના એક પ્રૌઢ વ્યક્તિને સેવાલિયા યુનિટ હોમગાર્ડના જવાને વહેતી નદીમાં છલાંગ લગાવીને આબાદ રીતે ડૂબતા બચાવી લીધા હતા, હોમગાર્ડના આ જવાનની કામગીરીથી સર્વત્ર હોમગાર્ડ દળ મા આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.
વધુ વિગતો જોઈએ તો તારીખ 11-06-2025 ના રોજ સાંજે 5:30 કલાક ની આસપાસ ના સમય દરમ્યાન હલધરવાસના સોમાભાઈ રામાભાઇ ડાભી નામના એક પ્રૌઢ નદીમાં નાહવા પડ્યા હતા તેઓ સ્નાન કરતા કરતા ડૂબવા લાગ્યા હતા,તે સમયે બૂમાબૂમ થતાં ફરજ પર હાજર હોમગાર્ડના જવાન વિજયસિંહ રતનસિંહ સોઢા પરમાર નાઓએ પોતાના જીવ ની પરવા કર્યા વગર વહેતી નદીમાં યુનિફોર્મ સાથે છલાંગ લગાવીને નદીમા ડૂબતા સોમાભાઈ ડાભી ને ભારે જહેમત ઉઠાવીને બચાવી લીધા હતા. તેઓને નદીની બહાર લાવતા ચોતરફ ઉભેલા પ્રજાજનોએ ભારે ઉત્સાહ આનંદ સાથે આ હોમગાર્ડ જવાનની કામગીરીને બિરદાવીને સૌએ ખૂબ ખૂબ અભિનંદન આપેલ હતા. હોમગાર્ડ વિજયભાઈએ આજે જાણે એક જંગ સામે વિજય મેળવ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.
આ હોમગાર્ડ જવાનની બહાદુરી પૂર્વક ના કાર્ય ને જિલ્લા કમાન્ડન્ટ પ્રણવભાઈ સાગર સ્ટાફ ઓફિસર અલ્પેશભાઈ મકવાણા, નિર્મલ કુમાર મહેતા, જૈમીન મહેતા તેમજ સમગ્ર જિલ્લાના તમામ અધિકારીઓ એ બિરદાવીને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.