હોંગકોંગમાં આફ્રીકન સ્વાઈન ફીવર ઝડપથી પગપેસારો કરી રહ્યો છે. જેના કારણે પશુ ખેડૂત ખૂબ જ ચિંતિત છે. આ વચ્ચે અહીંના પશુચિકિત્સકોના જૂથે સ્વાઈન ફીવરને ફેલાતો અટકાવવા માટે 900 થી વધુ ભૂંડને મારી નાખવાનો આદેશ આપ્યો છે. અધિકારીઓએ ન્યૂ ટેરિટરીઝ જિલ્લામાં એક લાઈસન્સ પ્રાપ્ત ફાર્મમાં પ્રાણીઓમાં ઘાતર બીમારીની જાણ થયા બાદ આ આદેશ આપ્યો છે.
કૃષિ, મત્સ્યોદ્યોગ અને સંરક્ષણ વિભાગ (AFCD)એ કહ્યું કે, ટેસ્ટ કરવામાં આવેલા 30 ડુક્કરોમાંથી 19ને સ્વાઈન ફીવર છે. આવી સ્થિતિમાં પશુ ચિકિત્સકોએ 900થી વધુ ભૂંડને મારી નાખવાનો આદેશ આપ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આગામી અઠવાડિયાની શરૂઆતમાં ભૂંડને મારી નાખવામાં આવશે. આ સાથે જ AFCDના અધિકારીઓએ ત્રણ કિલોમીટરની અંદર અન્ય આઠ ભૂંડોની ફાર્મોનું નિરિક્ષણ કરીને ટેસ્ટ કરવા માટે સેમ્પલ એકત્ર કરવાનો આદેશ આપ્યો છે.
આ સાથે જ ફેલાતી અફવાનો લઈને પશુચિકિત્સકોએ કહ્યું કે, યોગ્ય રીતે રાંધેલું ભૂંડનું માંસ વપરાશ માટે સુરક્ષિત છે. જનતાએ ચિંતા કરવાની જરૂર નથી. હોંગકોંગમાં આફ્રિકન સ્વાઈન ફીવર ઝડપથી ફેલાઈ રહ્યો છે અને આ જ કારણ છે કે ઈલેક્ટ્રીક શોક આપીને ભૂંડોને મારી નાખવામાં આવી રહ્યા છે.
આફ્રીકન સ્વાઈન ફીવર મામલે વિશ્વ પશુ સ્વાસ્થ્ય સંગઠન (WOAH)એ કહ્યું કે, તેનું વૈશ્વિક સ્તરે ફેલાવું ભૂંડ ઉદ્યોગ માટે ચિંતાનો વિષય છે. કારણ કે, કોઈ પણ ક્ષેત્ર તેનાથી અછૂતુ નથી. અનેક વર્ષોથી રસી અથવા અસરકારક સારવારના અભાવે આ બીમારી પરના નિયંત્રણને ખૂબ જ પડકાર રૂપ બનાવી દીધુ છે.