દરેક વાવાઝોડાનું નામ અને તેનો વિશેષ અર્થ હોય છે. હાલમાં ભારત પર મિચોંગ વાવાઝોડાનું સંકટ જોવા મળી રહ્યુ છે. તેણે ચેન્નઇમાં તબાહી મચાવી દીધી છે. ત્યારે સૌ કોઇના મનમાં પ્રશ્ન ઊભો થતો હશે કે આખરે આ વાવાઝોડાનું આવુ વિચિત્ર નામ કોણ રાખ્યુ હશે અને તેનો અર્થ શું થાય છે.
બધા દેશો સાથે મળીને વાવાઝોડાના નામ રાખતા હોય છે. તેના માટે અલગ અલગ નામો પહેલેથી જ આપી દેવાયા હોય છે. આ નામકરણ માટે સંગઠન પણ બનાવવામાં આવ્યું છે. જેમાં વિવિધ દેશોનો સમાવેશ પણ કરાયો છે.
ભૂતકાળમાં ઓખી, કટરીના, લીઝા, લૈરી,તૌકતે, વાયુ, બીરપજોય જેવા વાવાઝોડાના નામો રાખવામાં આવ્યા હતા. આ વખતના વાવાઝોડાનું નામ મિચોંગ રાખવામાં આવ્યુ છે. અમે તમને જણાવીશુ કે તેનું નામ કેવી રીતે રાખવામાં આવ્યું.
વાવાઝોડાનું નામ કયા દેશે રાખ્યુ ?
વાવાઝોડા ઓછા દબાણવાળા વિસ્તારની આસપાસ વાતાવરણીય વિક્ષેપને કારણે થતા હોય છે. મિચોંગ વાવાઝોડાનું નામ મ્યાનમાર દ્વારા આપવામાં આવ્યુ છે. તેનો અર્થ છે તાકાત અને લવચીકતા.
આ વાવાઝોડાનું નામ કેવી રીતે પડ્યું?
મ્યાનમાર દ્વારા આપવામાં આવેલા સૂચનના આધારે આ વાવાઝોડાનું નામ ‘મિચોંગ’ આપવામાં આવ્યું છે. વાવાઝોડું મિચોંગ બંગાળની ખાડીમાં સર્જાયેલુ આ વર્ષનું ચોથું વાવાઝોડું છે અને 2023માં હિંદ મહાસાગરમાં સર્જાયેલુ છઠ્ઠું વાવાઝોડું બનશે.
ખતરનાક બન્યુ વાવાઝોડું મિચોંગ
વાવાઝોડું મિચોંગ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે, તેમ તેમ તમિલનાડુના ચેન્નાઈ, તિરુવલ્લુર અને કાંચીપુરમ જિલ્લાની નજીક પવનની ગતિ લગભગ 50-60 કિમી પ્રતિ કલાકની થઈ ગઈ છે. તમિલનાડુના દરિયાકાંઠે આ ઝડપ વધુ ઘટશે. મધ્યરાત્રિથી, ‘મિગજોમ’ વાવાઝોડું ધીમે ધીમે આંધ્ર પ્રદેશ તરફ આગળ વધશે, ત્યારબાદ નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે 90-100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, આ સ્થિતિ મંગળવાર સવાર સુધી ચાલુ રહેશે.