ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોની માગ ઝડપથી વધી રહી છે. સરકાર પણ સતત આ વાહન પર પોતાનું ફોકસ કરી રહી છે. તેને ધ્યાનમાં રાખીને હવે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મોટું નિવેદન આપતા કહ્યું કે, આગામી બે વર્ષોમાં ઈલેક્ટ્રિક ગાડીઓની કિંમત પેટ્રોલ અને ડિઝલ કારની સમાન હશે. નીતિન ગડકરીએ 64th ACMA એન્યુઅલ સેશન દરમિયાન આ નિવેદન આપ્યું છે.
ગડકરીએ આગળ કહ્યું કે, નાણામંત્રી દ્વારા ઈલેક્ટ્રિક વાહનો પર સબસિડી આપવાથી મને કોઈ સમસ્યા નથી. જો કે, અગાઉ તેમણે સૂચવ્યું હતું કે EV ઉત્પાદકોને હવે સબસિડીની જરૂર નથી કારણ કે તેમના પ્રોડક્શનની કિંમત ઘટી ગઈ છે અને ગ્રાહકો હવે ઈલેક્ટ્રિક વાહનનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે. ગત વર્ષે ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોનો માર્કેટ શેર 6.3% હતો, જે તેના પાછલા વર્ષની સરખામણીમાં 50% વધુ છે.
હું પેટ્રોલ-ડિઝલની વિરુદ્ધ નથી
મંત્રીએ એ પણ સ્પષ્ટ કરી દીધું કે, હું પેટ્રોલ-ડિઝલની વિરુદ્ધ નથી પરંતુ ભારતને ફોસિલ ફ્યૂલ પર પોતાની નિર્ભરતા ઘટાડવી પડશે, જેની કિંમત હાલમાં 22 લાખ કરોડ રૂપિયા છે. આ સાથે જ ગડકરીએ ઈલેક્ટ્રિક વાહનો અને ઈથેનોલ જેવા બાયોફ્યુઅલને અપનાવવા પર ભાર મૂક્યો હતો.
ઈથેનોલના ઉત્પાદનથી ખેડૂતોને લાભ થઈ રહ્યો
આટલું જ નહીં નીતિન ગડકરીએ તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવેલી વિશ્વની પ્રથમ સીએનજી બાઈક Bajaj CNGનું ઉદાહરણ આપ્યું અને કહ્યું કે, આ બાઈકની કિંમત 1 રૂપિયા પ્રતિ કિમી છે જ્યારે પેટ્રોલ બાઈકની કિંમત 2 રૂપિયાથી વધુ છે. ગડકરીનું કહેવું છે કે ઈથેનોલના ઉત્પાદનથી ખેડૂતોને લાભ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે બાયો ફ્યૂલ તરીકે ઈથેનોલની વધતી માગના કારણે મકાઈના ભાવ બમણા થઈ ગયા છે.