ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી T20I રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં રમાવાની હતી. જોકે આ મેચ શરૂ થવાના અમુક જ કલાકો પહેલા સ્ટેડિયમના અમુક ભાગમાં વીજ ગુલ થઈ ગયાના અહેવાલ આવ્યા છે. જોકે આ વીજળી ગુલ થવાનું કારણ પણ ચોંકાવનારું છે.
આ કારણે વીજળી ગુલ થઈ
માહિતી અનુસાર અત્યાર સુધી વીજળીના બિલની ચૂકવણી ન કરવામાં આવતા વીજ સપ્લાયર્સ દ્વારા 5 વર્ષ પહેલાં જ વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ આ શ્રેણીમાં 2-1થી આગળ છે અને આજની મેચ જો તે જીતી જશે તો તે શ્રેણી પોતાના નામે કરી લેશે.
કેટલું બિલ ભરવાનું બાકી છે?
રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમ પર 3.16 કરોડ રૂપિયાના બિલની ચૂકવણી કરવાની બાકી છે જેના કારણે 5 વર્ષ પહેલાં સ્ટેડિયમનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. વીજ બિલની આ ચૂકવણી 2009થી કરાઈ નથી. છત્તીસગઢ રાજ્ય ક્રિકેટ બોર્ડના આગ્રહ પર એક અસ્થાયી કનેક્શન સ્થાપિત કરાયું હતું પણ તે ફક્ત ઓડિયન્સ ગેલેરી અને બોક્સને કવર કરે છે. આજે મેચ દરમિયાન ફ્લડલાઈટ ચાલુ કરવા માટે જનરેટરનો ઉપયોગ કરવાની ફરજ પડશે.