પહલગામ આતંકી હુમલા બાદ ભારત તમામ ક્ષેત્રોમાં પાકિસ્તાનનો બહિષ્કાર કરી રહ્યો છે. આજે ભારતમાં પાકિસ્તાન સરકારનું X એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ગઈકાલે ભારતે પાકિસ્તાનન સાથેની અત્યંત મહત્ત્વની સિંધુ જળ સંધિ પર રોક મૂકી હતી. કાયદાકીય ધોરણે પાકિસ્તાન સરકારનું X હેન્ડલ સસ્પેન્ડ કરવાની માગના પગલે આ કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું ટ્વિટરે જણાવ્યું છે.
પહલગામ આતંકવાદી હુમલાના પગલે સમગ્ર દેશમાં શોક અને ગુસ્સાનો માહોલ છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે ગઇકાલે (23 એપ્રિલ) પાકિસ્તાન સામે સિંધુ જળ કરાર પર રોક લગાવવા, ભારતમાં પાકિસ્તાનના રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવા અને પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવા સહિતની આકરી કાર્યવાહી કરી હતી. હવે ભારતમાં પાકિસ્તાન સરકારનું ‘X’ એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, પહલગામના વિનાશકારી આતંકવાદી હુમલામાં ગુજરાતના ત્રણ સહિત કુલ 28 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો.
Government of Pakistan's account on 'X' withheld in India pic.twitter.com/Lq4mc2G62g
— ANI (@ANI) April 24, 2025
રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવા આપ્યો આદેશ
પહલગામમાં થયેલા આતંકી હુમલા મુદ્દે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CSS) બેઠક યોજાઈ હતી. જેમાં આતંકવાદને સમર્થન આપી રહેલા પાકિસ્તાન વિરૂદ્ધ અનેક પગલાં લેવામાં આવ્યા છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન હાઈ કમિશને પહેલી મે સુધીમાં પોતાના રાજદ્વારીઓની સંખ્યા 55થી ઘટાડી 30 કરવાની રહેશે. ભારત પણ પાકિસ્તાનમાં પોતાના રાજદ્વારીઓને પાછા બોલાવી રહ્યું છે. વધુમાં નવી દિલ્હી ખાતે પાકિસ્તાન હાઈ કમિશન પરથી તમામ સુરક્ષા હટાવી લેવામાં આવી છે. તેના અધિકારીઓને સપ્તાહની અંદર ભારત છોડવા આદેશ આપી દેવામાં આવ્યો છે. ભારતે ઈસ્લામાબાદમાં પોતાના હાઈ કમિશન પરથી પણ સૈન્ય સલાહકારોને પાછા બોલાવ્યા છે.