ભારત સરકાર દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર કામ કરવામાં આવી રહ્યું છે. આ અંગે વિવિધ પ્રકારના નિર્ણયો પણ લેવામાં આવી રહ્યા છે. ડેટા સેન્ટર તૈયાર કરતા પહેલા Graphic Processing Unit (GPUs) પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેમાં હજુ ઘણા નિર્ણયો લેવાના બાકી છે. કારણ કે અત્યાર સુધી ચીન અને અમેરિકા AI માર્કેટમાં અવ્વલમાં ઉભરી આવી રહ્યાં છે અને બંને દેશ આ ટેક્નોલોજી પર સતત કામ કરી રહ્યા છે. AI વિકસાવવામાં GPU ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને આ માટે પણ મોદી સરકાર દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.
ભારત સરકાર દ્વારા GPU ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવાની માત્ર ભારતની કંપનીઓને જ મંજૂરી આપવામાં આવશે. એટલે કે આ બિડમાં કોઈપણ વિદેશી કંપની ભાગ લઈ શકશે નહીં જેનું ભારતીય કંપની સાથે કોઈ જોડાણ નથી. એવું કહી શકાય કે માત્ર ભારતીય કંપનીઓને જ ઈન્ડિયા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (IndiaAI)ની સેવા પૂરી પાડવાની મંજૂરી આપવામાં આવશે.
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય 1 હજાર GPU અથવા AI ગણતરી ક્ષમતા માટે બિડ લગાવી શકે છે. જે પણ આ બિડ મેળવશે તે 3 વર્ષ માટે સેવા આપશે. ત્યારબાદ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે અને કંપની સાથે સરકાર ભવિષ્યમાં પણ સેવાઓ પ્રદાન કરવા માટે કરાર કરી શકે છે.
AI મિશન 10,372 કરોડ રૂપિયાનું છે
ET દ્વારા એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારત સરકાર દ્વારા માત્ર ભારતીય કંપનીઓને જ GPU કામગીરી અને તેનું સંચાલન કરવાની મંજૂરી આપવામાં આવશે. ઈન્ડિયા એઆઈ મિશન 10,372 કરોડ રૂપિયાનું છે જે દરેક કંપની માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.