ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે છેલ્લા એક અઠવાડિયાથી યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે દેશ વિદેશથી અનેક લોકોએ આ યુદ્ધમાં પોત-પોતાના તરફથી કોણ કોની તરફેણમાં છે એવું જાહેર કરવા વિવિધ પ્રકારના નિવેદનો આપ્યા. ભારત આ મામલે ઈઝરાયલની તરફેણમાં રહ્યું છે. મોદી સરકારે આ મામલે હમાસના આતંકી હુમલાને આકરા શબ્દોમાં વખોડ્યું હતું. જ્યારે હવે યુપીની યોગી સરકાર દ્વારા એક એવું નિવેદન આપવામાં આવ્યું છે જે ચર્ચામાં છે.
શું કહ્યું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે?
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વિવાદ હેઠળ તમામ પોલીસ અધિકારીઓ તેમના ક્ષેત્રમાં આવેલા તમામ ધર્મગુરુઓ સાથે તાત્કાલિક ધોરણે સંવાદ સાધે. આ મામલે ભારત સરકારના વિચારોથી વિપરિત કોઈપણ પ્રકારની પ્રવૃત્તિઓને સ્વીકારવામાં નહીં આવે. સોશિયલ મીડિયા હોય કે પછી ધર્મસ્થળ, ક્યાંય પણ કોઈપણ પ્રકારનું ઉન્માનદી નિવેદન ચલાવી નહીં લેવાય. જો કોઈના દ્વારા આવું કરવાનો પ્રયાસ કરાશે તો તેની સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે.