કઠીન તપશ્ચર્યા માટે જાણીતા જૈન સંપ્રદાયમાં હજારો લોકો સંયમ માર્ગે વિચરણ કરીને ધર્મના પ્રચાર-પ્રસાર અને લોકકલ્યાણના કામ કરીને સંસ્કૃતિને નવી દિશા ચિંધી રહ્યા છે ત્યારે મુળ કપડવંજના વતની અને હાલ નડિયાદના શાહ પરિવારની યુવતી સંયમમાર્ગે આગળ વધી છે. ઇન્ટિરિયર ડિઝાઇનરનો અભ્યાસ ધરાવતી યુવતી મહેસાણા ખાતે આગામી પહેલી મે’ના રોજ દિક્ષા અંગીકાર કરશે. આ પહેલા કપડવંજ અને નડિયાદમાં દિકરીની ભવ્ય શોભાયાત્રાઓ યોજાશે.
મુમુક્ષુ આશ્કા પોતે ધર્મપરાયણના રાહમાં નાનપણથી જ વળેલી હતી.નડિયાદ શહેરમાં નાના કુંભનાથ રોડ પર પાશ્વનગર સોસાયટીમાં રહેતા અશોકભાઈ રતીલાલભાઈ શાહ પોતે વરિષ્ઠ એડવોકેટ છે. તેમના પુત્ર સુકેતુભાઈ શાહ પોતે અમદાવાદમાં વ્યવસાય કરે છે.હાલમાં ત્યાં સ્થાયી થયા છે. આમ તો આ શાહ પરિવાર મૂળ કપડવંજનો છે પણ વર્ષોથી નડિયાદમાંજ રહે છે. આ સુકેતુભાઈને સંતનામાં એક દિકરી અને એક દિકરો છે. જેમા દિકરી આશ્કા ઉ.વ.26 ની ઇન્ટિરિયર ડિઝાઇનરનો અભ્યાસ ધરાવે છે. આશ્કા પોતે ધર્મપરાયણ તરફ નાનપણથી જ વળેલી હતી.તેણીએ પરિવાર સમક્ષ સંયમના માર્ગે વિચરણ કરવાનો પ્રસ્તાવ મુકતાં પરિવાર અનહદ આનંદિત થવાની સાથે વિચારમગ્ન બની ગયો છતાં દિકરીની પ્રબળ ઇચ્છાને તેઓએ સહ્રર્ષ વધાવી લીધી. જેથી હવે આશ્કા મહેસાણા જિલ્લાના સુપ્રસિધ્ધ જૈન તિર્થધામ નંદાસણ ખાતે દિક્ષા અંગીકાર કરશે.
26 વર્ષિય આશ્કાએ અભ્યાસ પૂર્ણ કરીને સંયમના માર્ગે ચાલવાનું પસંદ કર્યું છે.ઘર-સંસારનો ત્યાગ કરીને કાયમી સાધ્વીનું કઠીન જીવન જીવવાનો દ્ર્ઢ સંકલ્પ કર્યો છે. આગામી પહેલી મે’ના રોજ મહેસાણા જિલ્લાના સુપ્રસિધ્ધ જૈન તિર્થધામ નંદાસણ ખાતે ભક્તિયોગાચાર્ય ૫.પૂ.આ.ભ.યશોવિજયસૂરિ મહારાજા, આજીવન આયંબિલના તપસ્વી આ.ભ.હેમવલ્લભસૂરિ મહારાજાની નિશ્રામાં આ દિકરી દિક્ષા અંગીકાર કરશે.
હાલ સુધીમાં નડિયાદમાંથી 35થી વધુ યુવક,યુવતીઓ સંયમના માર્ગે વિચરણ કરી ગયાં છે.જે ગૌરવની બાબત છે.આ દીક્ષા અંગિકાર પહેલા યુવતીના વતનમાં નડિયાદ અને મૂળ વતન કપડવંજ ખાતે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે. જેમાં 13 એપ્રિલે કપડવંજ મૂકામે અને 14 એપ્રિલે નડિયાદ મૂકામે વાજતે ગાજતે શોભાયાત્રા નીકળશે.
આ દિવસ અમારા માટે ગૌરવરૂપ દિવસ બનશે : દિકરીના દાદા
અશોકભાઈ શાહે જણાવ્યું કે, તેમની પૌત્રી આશ્કા પોતે છેલ્લા અઢી વર્ષથી જૈન સાધ્વી મહારાજ સાહેબ સાથે વિહાર કરી રહી છે. તેણીની ખાનગી કંપનીમાં સારી પોસ્ટ પર નોકરી કરતી હતી. પરંતુ આ તમામ સુખ ભર્યું જીવનને કાયમી રૂપે તિલાંજલિ આપી સંયમના માર્ગે વળી છે જેનું ગૌરવ છે અમને. નડિયાદમાં જે દિવસે શોભાયાત્રા છે તે શોભાયાત્રા કિડની હોસ્પિટલ નજીક આવેલ સુપાશ્વનાથ જૈન દેરાસરથી નીકળી મુખ્ય જૈન દેરાસર દેવચકલા ખાતે આવશે.જ્યાં દિકરીનો સન્માન સમારોહ યોજાશે.જેમાં જૈન સંપ્રદાયના મહારાજ સાહેબ તથા જૈનસમુદાયના અને તેણીના કુટુંબીજનો બહોળી સંખ્યામાં હાજર રહી આર્શીવાદ આપશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કપડવંજ મુકામે પણ શોભાયાત્રા નિકળશે. જે શહેરના રાજમાર્ગો પર ફરશે. આ સાથે આ બંને દિવસ દરમિયાન ભૂખ્યાને ભોજન પણ અપાશે. આ અમારા માટે ગૌરવરૂપ દિવસ હશે.