ઉદાપુરા પાટિયા પાસે એક આઇસર ગાડીમાં વિદેશીદારૂનો મોટો જથ્થો આવી રહ્યો હોવાની આંતરસુંબા પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે આઇસર ગાડીને રોકીને તેમાં તપાસ કરતાં આ ગાડીમાંથી વિવિધ પ્રકારના વિદેશીદારૂની ૨૬૪ બોટલ કિ.રૂ.૨,૩૩,૭૦૦ના મુદ્દામાલ સાથે આઇસર ગાડીમાં ભરેલ ડાઇ મશીન સહિતના સામાન કિ.રૂ. ૭૧, ૩૭,૧૭૫ સહિત ગાડીની કિંમત રૂ.૮ લાખ મળી કુલ રૂ. ૮૧,૭૮,૧૦૫ના મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ કરીને આંતરસુંબા પોલીસે ખળભળાટ મચાવી દીધો છે.
મળતી વિગતો જોઇએ તો કપડવંજ કઠલાલ રોડ ઉપર ઉદાપુરા પાટીયા પાસેથી આંતરસુંબા પોલીસે બાતમીના આધારે એક આઇસર ગાડી નં. જી.જે.૧૬.એ.વી.૦૩૫૮ને રોકીને તેમાં તપાસ કરતાં ગાડીના પાછળના ભાગે કાળા કલરની તાડપતરી ખોલતાં તેમાં ડાઇ મશીન અને તેનું કવર તથા સફેદ મીણીયામાં વીંટાળેલા એલ્યુમીનીયમના ૪૨ નંગ સેક્શન તથા ખાખી કલરમાં પ્લાસ્ટીકનો સામાન ભરેલા બોક્સ નંગ૧૩ તથા પ્લાયવુડના બોક્સન નંગ ૭ ગોઠવેલા હતા. આ માલસામાનનું બીલ માગતાં ડ્રાઇવર ગેંગેંફેંફેં કરવા લાગ્યો હતો.
જેમા પોલીસે વધુ તપાસ કરતા પોલીસને વિદેશીદારૂની વિવિધ માર્કાની કુલ ૨૬૪ બોટલ કિ.રૂ.૨,૩૩,૭૦૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ બાબતે ડ્રાઇવર ઝુબેરખાન હનીફખાન બીન ભાગસીંહ મુસ્લીમ રહે. ખરેલીખુર્દ, પો.મંદીખેર,તા.ફિરોજપુર,જી.મેવાત, હરિયાણાઓની ધરપકડક કરી હતી. અને તેની પુછપરછમાં તેની પાસેથી અંગ જડતીના રૂ.૧૨૩૦ તથા એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. પોલીસે આ બાબતે તમામ મુદ્દામાલ સહિતની ગણતરી કરતા કુલ રૂા.૮૧,૭૮,૧૦૫નો મુદ્દામાલ પોલીસે હસ્તગત કર્યો હતો. આ બાબતે આંતરસુંબા પોલીસના કર્મચારી જયેન્દ્રસિંહ પ્રવિણસિંહ વાઘેલાની ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.