વર્તમાનમાં સમસ્ત રાજ્યમાં લોકોપયોગી સેવાકાર્યોની ગતી વધારવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સક્રિય છે ત્યારે આણંદ જિલ્લાના ઉમરેઠમાં વિકાસની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. થોડા જ સમય અગાઉ મુખ્યમંત્રી શ્રી દ્વારા જાહેર કરવામાં આવેલું કે જે તે સ્થળે અંડર ગ્રાઉન્ડ પાણીની પાઇપો, ગટરની પાઇપો, ટેલિફોન કે ઈલેક્ટ્રીસીટી ની પાઇપો નાખવી અને ત્યાર બાદ જ નવો રોડ બનાવવો જેથી રોડ બનાવ્યા બાદ ખોદકામ કરીને પ્રજાના પૈસાથી બનાવેલ રોડ તોડવો ના પડે. આ અંગે ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર પણ બહાર પડયેલ છે.
ઉમરેઠમાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત નવો જ બનાવેલ સીસી રોડ જેસીબી મશીનથી તોડવાની ઘટનાએ નગરમાં ચર્ચાનું જોર પકડ્યું છે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા નલ સે જલની યોજના અંતર્ગત ઘરે ઘરે મહીસાગર નદીનું પાણી પહોંચાડવાની યોજના ચાલી રહી છે. આ યોજના અંતર્ગત ઉમરેઠમાં લાલ દરવાજા વિસ્તારથી લઈને વ્યાસચોરા સુધી પાણીની પાઇપ નાખવા માટે નવો જ બનાવેલ અને એકદમ મજબૂત કન્ડીશનનો રોડ પર જેસીબી મશીન દ્વારા તોડવામાં આવી રહ્યો છે. તો શું આ રોડ બનાવતા પહેલા જે તે અધિકારીઓને ખબર નહોતી કે અહી નલ સે જલ યોજના અંતર્ગત પાણીની પાઇપો નાખવાની છે ?
થોડા મહિના અગાઉ ઉમરેઠના અલગ અલગ વિસ્તારોમાં કરોડોના ખર્ચે નવા સીસી રોડ બનાવવામાં આવ્યા હતા. સરકારશ્રી દ્વારા પ્રજાના હિત માટે ખર્ચતા આ દરેક રૂપિયા પ્રજાની પરસેવાની કમાણી ટેક્સના હોય છે તો સહજ છે કે પ્રજાને આ ખર્ચની ચિંતા થાય જ. તો પ્રજાના ટેક્ષમાંથી બનાવેલ નવા જ સીસી રોડને આવી રીતે પાણીની પાઇપો નાખવા તોડી નાખવો એ કેટલો યોગ્ય ? શું આ રીતે કામ કરીને સરકારી તંત્ર જ મુખ્યમંત્રીશ્રી દ્વારા ભાર પડેલા પરિપત્રનું ઉલંઘન નથી કરતી ? જો પહેલેથી યોજના હતી પાણીની પાઇપ નાખવાની તો શું કરવા લાખોના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો અને અત્યારે એ જ રોડ તોડવામાં આવી રહ્યો છે !!
આટલું તો ઠીક પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ગામમાં એક તરફ પાણીની પાઇપો માટે નવા જ સીસી રોડ તોડવામાં આવી રહ્યા છે અને બીજી તરફ જ્યાં પાણીની પાઇપો નાખવાની બાકી છે ત્યાં લાખોના ખર્ચે નવા સીસી રોડ બની રહેલા છે. ઉમરેઠમાં સેલતિયા કૂવા, વ્હોરવાડ જેવા વિસ્તારોમાં અત્યારે નવા સીસી રોડ બનાઈ રહેવામાં આવેલ છે તો શું આ વિસ્તારોમાં અને રોડ પર નલ સે જલની યોજના હેઠળ પાણીની પાઇપો નાખવામાં નથી આવનાર !! અને જો આ યોજનામાં આખા ગામમાં મહીસાગરના પાણીની પાઇપો નાખવાની છે તો અત્યારે બનાવેલ નવા રોડ શું થોડા સમયમાં ફરી તોડવામાં આવશે ?
આને પ્રજાના પરસેવાના ટેક્ષના પૈસાનો અનઘણ વહીવટ ના કહેવાય તો બીજું શું કહેવાય !! જે યોજનાઓ પ્રજાના સુખાકારી માટે અમલમાં મુકવામાં આવતી હોય તેની જ કાર્યપધ્ધતિ જો પ્રજાની સગવડોમાં આડી આવે તો આવા ગેરવહીવટના જવાબદાર કોણ તે વિચારવું રહ્યું.