નવી દિલ્હીમાં ઈઝરાયેલી દુતાવાસ પાસે થયેલા વિસ્ફોટ બાદ ભારતમાં ઈઝરાયેલે એક એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં પોતોના નાગરિકોને જોખમ ટાળવા માટે ચેતવણી આપવામાં આવી છે. ઈઝારયેલે આ હુમલાને સંભવિત આતંકવાદી હુમલો ગણાવ્યો છે.
ઈઝરાયેલી નાગરિકોને આપાઈ સૂચના
નવી દિલ્હીમાં ઈઝરાયેલના દુતાવાસ પાસે થયેલા વિસ્ફોટ બાદ ઈઝરાયેલની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે ભારતમાં પોતાના નાગરિકોને જોખમ ટાળવા માટે ચેતવણી આપતા એક એડવાઈઝરી આપવામાં આવી છે. આ એડવાઈઝરીમાં યહૂદી નાગરિકોએ મોલ અને બજારો તેમજ ભીડવાળા સ્થળોએ ન જવાની સલાહ આપવામાં આવી છે, આ ઉપરાંત લોકોને રેસ્ટોરાં, હોટલ, પબ અને અન્ય સ્થળો સહિત જાહેર સ્થળોએ સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે તેમજ કહેવામાં આવ્યું છે કે જો કોઈ ક્યાંક જાય તો તમારી ઓળખ સામાન્ય લોકો સાથે શેર ન કરો અને સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરવાનું ટાળો. ઇઝરાયેલ દૂતાવાસના પ્રવક્તાનું કહેવું છે કે દૂતાવાસની નજીક સાંજે લગભગ 5:48 વાગ્યે વિસ્ફોટ થયો હતો. દિલ્હી પોલીસ અને સુરક્ષા ટીમ આ મામલે તપાસ કરી રહી છે.
ગઈકાલે વિસ્ફોટ થયો હતો
દિલ્હીમાં ઈઝરાયેલનું દૂતાવાસ ખૂબ જ હાઈપ્રોફાઈલ વિસ્તાર ચાણક્યપુરીમાં આવેલું છે. આ અત્યંત સંવેદનશીલ વિસ્તારમાં ગઈકાલે વિસ્ફોટ થયો હતો. આસપાસના ઘણા લોકોએ આ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. એક અજાણ્યા વ્યક્તિએ દિલ્હી ફાયર સર્વિસ વિભાગને ફોન કરીને આ વિસ્ફોટ અંગે જાણકારી આપી હતી. માહિતી મળ્યા બાદ દિલ્હી પોલીસ, ડિસ્ટ્રિક્ટ સ્ટાફ, સ્પેશિયલ સેલ, દિલ્હી ફાયર સર્વિસ અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બોમ્બ ડિટેક્શન ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી હતી.