ઈસરોએ આ વર્ષે ચંદ્રયાન 3 દ્વારા સફળતાનો ઈતિહાસ રચ્યો છે. આ મિશનથી ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનારો પ્રથમ અને એક માત્ર દેશ બન્યો છે. ચંદ્રયાન 3 બાદ આદિત્ય એલ 1 અને પછી ગગનયાન ફ્લાઈટનું સફળ ટેસ્ટિંગ કરવામાં આવ્યું. હવે ઈસરો ફરી ઈતિહાસ રચવા તરફ આગળ વધી રહ્યું છે.
કયા મિશન થશે લોન્ચ? ઈસરોએ આપી માહિતી
ઈસરો આગામી બે વર્ષમાં કયા કયા મિશનને લોન્ચ કરશે, તેની જાણકારી સામે આવી છે. સંસદના શિયાળુ સત્રના પ્રશ્નકાળ દરમિયાન સરકારે આગામી 2 વર્ષમાં લોન્ચ થનારા ઈસરોના સ્પેસ મિશનની જાણકારી આપી છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે ઈસરો 2024 અને 2025માં કયા કયા મિશન મોકલવાની યોજના બનાવી રહ્યું છે. તેમાં સૌથી વધારે ચર્ચા નિસાર અને ગગનયાન મિશનની થઈ રહી છે.
ગગનયાન મિશનમાં 3 લોકોને અંતરિક્ષમાં મોકલવામાં આવશે, આ ભારતનું પ્રથમ હ્યુમન મિશન હશે. આ મિશનમાં સ્પેસક્રાફ્ટને ધરતીથી 400 કિલોમીટર દુરની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. આ મિશન 3 દિવસનું હશે. અંતરિક્ષમાં 3 દિવસ પસાર કર્યા બાદ તમામ અંતરિક્ષ યાત્રીઓને દરિયામાં સુરક્ષિત રીતે લેન્ડ કરાવી ધરતી પર પરત લાવવામાં આવશે. આ મિશન પર ઝડપથી કામ ચાલી રહ્યું છે.
ઓક્ટોબરમાં ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઈટને લોન્ચ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય ક્રૂ મોડ્યુલનું પરીક્ષણ કરવાનો હતો. ગગનયાનના આ પરીક્ષણથી ટેસ્ટ કરવામાં આવ્યો કે અંતરિક્ષ યાત્રા દરમિયાન કંઈક ગડબડી થવા પર પણ અંતરિક્ષ યાત્રી સુરક્ષિત રહેશે.
ગગનયાન મિશનનું લક્ષ્ય 2025માં ભારતીયોને અંતરિક્ષમાં મોકલવાનું છે. મંત્રી જિતેન્દ્ર સિંહે લોકસભામાં જણાવ્યું કે આવનારા સમયમાં ગગનયાન કાર્યક્રમ હેઠળ પરીક્ષણ ઉડાનોને પ્લાન કરવામાં આવી છે.
ઈસરોના આગામી સ્પેસ મિશનોમાં નિસાર એટલે કે સિન્થેટિક એપર્ચર રડાર મિશન પણ સામેલ છે. ઈસરો આ મિશન અમેરિકાની સ્પેસ એજન્સી નાસાની સાથે મળીને કરી રહ્યું છે. આ મિશનનું લક્ષ્ય ડ્યુઅલ-ફ્રિકવન્સી રડાર ઈમેજિંગ સેટેલાઈટને ડિઝાઈન કરવાથી લઈને તેને લોન્ચ કરવા સુધીનું છે. નાસા અનુસાર તેનાથી મળતો ડેટા વૈજ્ઞાનિકોને જળવાયુ પરિવર્તનના પ્રભાવોને સારી રીતે સમજવા માટે જાણકારી આપશે.
નિસારને 3 અલગ અલગ તબક્કામાં વિકસિત કરવામાં આવી રહ્યું છે. નિસારથી 12 દિવસમાં સમગ્ર પૃથ્વીનું મેપિંગ કરી શકાય છે. આ સેટેલાઈટને સતીશ ધવન અંતરીક્ષ કેન્દ્રમાંથી જાન્યુઆરી 2024માં લોન્ચ કરવાની અપેક્ષા છે.
નિસાર અને ગગનયાન સિવાય ઈસરો ઘણા મિશન પર કામ કરી રહ્યું છે. મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે ઈસરોએ આગામી બે વર્ષમાં આ મિશનોને લોન્ચ કરવાનો પ્લાન બનાવ્યો છે. INSAT-3DS, RISAT-1B, Resourcesat-3, TDS01, SPADEX, Oceansat-3A, IDRSS, GSAT-20 અને NVS-02. આ તમામ મિશનોનું નેતૃત્વ ભારતીય સ્પેસ એજન્સી ઈસરો કરશે.
જિતેન્દ્ર સિંહે વધુમાં જણાવ્યું કે સ્પેસ સેક્ટરમાં કરેલા સુધારાની અસર જોઈ શકાય છે. સ્પેસ સ્ટાર્ટ અપની સંખ્યા 2014માં 1થી વધીને 2023માં 200થી વધારે થઈ ગઈ છે. આ ભારતીય સ્પેસ સ્ટાર્ટ અપમાં 124.7 મિલિયન ડોલરનું રોકાણ પણ થયુ છે.