પાયલોટ પ્રોજેક્ટના રૂપે શરૂ કરાયેલા આ પ્રોગ્રામમાં સ્થાનિક વોલન્ટિયર્સના માધ્યમથી સંસ્થા એક વર્ષમાં અંદાજિત ૫૦ હજાર પરિવારો સુધી યોજનાના લાભો પહોંચાડવાનું લક્ષ રખાયું
એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં સંવેદનશીલ અને જરૂરિયાતમંદ સમુદાયોને તેમની આવશ્યક સરકારીશ્રીની વ્યક્તિગત જન કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તેવા આશય સાથે ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એન્ડ એકાઉન્ટેબિલિટી (ISRA) દ્વારા CMS ફાઉન્ડેશનના સહયોગથી નર્મદા જિલ્લામાં “જન યોજના સેતુ” પાયલોટ પ્રોજેક્ટનો નાંદોદ તાલુકાના પાટણા ગામે મહાલક્ષ્મી મંદિરના પ્રાંગણથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. નાંદોદના પ્રાંત અધિકારી ડો. કિશનદાન ગઢવી અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
પ્રાંત અધિકારી ડો. કિશનદાન ગઢવીએ નાગરિકોને સંબોધતા જણાવ્યું કે, સરકારશ્રીની વિવિધ યોજનાઓને લોકો સુધી લઈ જવા માટે વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ રહે છે. સો ટકા સેચ્યુ રેશનની દિશામાં કાર્ય કરવા માટે ગામડાઓમાં જઈને સેવાસેતુ જેવા કાર્યક્રમના માધ્યમથી નાગરિકોને ઘર આંગણે સરકારશ્રીની વિવિધ યોજનાનો લાભ પુરો પાડવામાં આવે છે. છતાં પણ કેટલાંક નાગરિકો સુધી લાભો પહોંચવાના રહી ગયા છે તેને પહોંચાડવામાં જે મુશ્કેલીઓ આવે છે તેને ISRA અને CMS જેવી સંસ્થાઓ વહીવટી તંત્ર અને નાગરિકો વચ્ચે એક સેતુ બનીને કાર્ય કરતી હોય છે. ISRAનો આ “જન યોજના સેતુ” પાયલોટ પ્રોજેક્ટનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે કોઈપણ યોજનાનો લાભ લેવા માટે સૌથી મહત્વના દસ્તાવેજ તરીકે આધારકાર્ડ અને રાશનકાર્ડની જરૂર પડતી હોય છે. જેથી આ પ્રોજેક્ટ અંતર્ગત સૌ પહેલાં નાગરિકોના આ દસ્તાવેજોમાં રહેલી તૃટિઓ દૂર કરી યોજનાકીય લાભો પૂરા પાડવામાં નાગરિકોની ભાગીદારી વધે તેવા પ્રયાસો કરવા અને જ્યારે કોઈ ગામમાં આ સંસ્થા દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવે ત્યારે સૌ ગ્રામજનોને અવશ્ય લાભ લેવા ઉપર ભાર મૂક્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન નાયબ માહિતી નિયામક અરવિંદભાઈ મછારે પણ પ્રાસંગિક ઉદબોધન કરી વહીવટી તંત્ર અને સંસ્થા દ્વારા થઈ રહેલા કાર્યોમાં જનભાગીદારી વધારી સરકારશ્રીના વિવિધ અભિયાનને વેગવંતા બનાવવા અપીલ કરી હતી. અને યોજનાની ચોક્કસ માહિતી હોય તો લેવામાં સરળતા રહે માહિતી હશે તો મંઝિલ સુધી પહોંચી શકશે તેમ જણાવી ન ખબર હોય તો સંસ્થાના લોકો પાસે સંબંધિત વિભાગ પાસેથી મેળવીને લાભ લઈ શકો છો.
ISRAના પ્રતિનિધિ ઋષિનભાઈ પટેલે તથા જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર સુશ્રી રેણું અગ્રવાલે સંસ્થાના આ પ્રોજેક્ટ અંગે વિસ્તૃતમાં માહિતી આપી હતી. એક વર્ષ દરમિયાન ચાલનારા આ ભગીરથ કાર્યમાં સ્થાનિક ગામના યુવાનોને વોલેન્ટિયર્સ તરીકે જોડ્યા છે. જેઓ ગામના નાગરિકોના સતત સંપર્કમાં રહીને સંસ્થાના પ્રોજેક્ટમાં નક્કી કરાયેલી રાજ્ય અને કેન્દ્ર સરકારશ્રીની ૧૫ જેટલી ફ્લેગશિપ યોજના, વ્યક્તિગત અને સામૂહિક લાભોની યોજનાઓ ઉપર કાર્ય કરશે. સંસ્થા દ્વારા વોલન્ટિર્સને ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવશે. જેઓ ગામે ગામ જઈને કેમ્પના માધ્યમથી નાગરિકોનું સશક્તિકરણ કરવા સાથે સરકારની યોજનાના લાભો નાગરિકોને સરળતાથી મળી રહે તેના માટે માર્ગદર્શન પુરૂં પાડી મદદરૂપ બનશે.
નર્મદા જિલ્લામાં આ “જન યોજના સેતુ” પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત એક વર્ષમાં અંદાજે 50 હજારથી વધુ પરિવારો સુધી પહોંચવાનો લક્ષ્યાંક ISRA દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહીને સંસ્થાની ટીમ અને નવીન મોબાઇલ એપ્લિકેશન દ્વારા વિવિધ સમુદાયો અને મહત્વપૂર્ણ સામાજિક કલ્યાણના કાર્યક્રમો વચ્ચે મુશ્કેલીઓ- અંતરાયો દૂર કરીને ખૂટતી કડીને જોડીને અંતરને દૂર કરવાનો તથા નાગરિકોને વધુ સુરક્ષિત ભવિષ્ય માટે સંસાધનો અને સમર્થન સાથે તેમનું સશક્તિકરણ કરવાની આ સામાજિક સુરક્ષાની પહેલ ખરેખર નાગરિકો માટે સહાયક સાબિત થશે. આ પરિવર્તનકારી પહેલ નર્મદા જિલ્લાના નાગરિકોની જનભાગીદારીને વધુ મજબૂત કરશે અને રાજ્ય-કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને છેવાડાના લોકો સુધી લઈ જઈ સો ટકા સેચ્યુ રેશનની દિશામાં કાર્ય કરી જમીની સ્તર પર ઉતારવામાં સિમાચિહ્નિત રૂપ સાબિત થશે તેવો આશાવાદ ISRA દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
પાટણા ગામે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ અને નાગરિકોએ નશામુક્ત ભારત અભિયાનના શપથ લીધા હતા. કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણી ગૌરાંગભાઈ બારિયા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી ભૂમિત પરમાર, ગ્રામ પંચાયતના વહીવટદાર, સંસ્થાના પ્રતિનિધિઓ – વોલેન્ટિયર્સ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.