વિદેશથી આવતા લોકોના ઘરેણાં એરપોર્ટ પર પકડાય છે.પણ હવે તમે વિદેશ પ્રવાસથી પાછા ફરતી વખતે તમારી સાથે જૂના અને પોતાના ઘરેણાં લાવશો તો કસ્ટમ વિભાગ તમને બિનજરૂરી રીતે હેરાન નહીં કરે. દિલ્હી હાઈકોર્ટે આ મામલે કડક ટિપ્પણી કરીને કસ્ટમ અધિકારીઓને નિર્દશ આપ્યો છે કે તેઓ સુનિશ્ચિત કરે કે સફર દરમિયાન મુસાફર દ્વારા પહેરવામાં આવેલા ઘરેણાં અને જૂના આભૂષણને એરપોર્ટ પર બિનજરૂરી રીતે જપ્ત ન કરવામાં આવે અને તેમને હેરાન ન કરવામાં આવે.
આ મામલે કોર્ટ 30 થી વધુ અરજીઓ પર સુનાવણી કરી રહી હતી જેમાં દેશના નાગરિકો અને ભારતની મુલાકાતે આવતા વિદેશી મૂળના પ્રવાસીઓના સામાન જપ્ત કરવા માટેની કસ્ટમ્સ વિભાગની પ્રક્રિયા પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.
ભારત આવતા મુસાફરોને કોઈ મુશ્કેલી ન થાય: કોર્ટ
આ અંગે બેન્ચે કહ્યું કે, “સીબીઆઈસી અને કસ્ટમ્સ વિભાગ હવે માલના નિયમોમાં સુધારો કરવા અને તેને કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે વધુ સમયનો અનુરોધ કરી રહ્યા છે. આથી કસ્ટમ્સ વિભાગે તેના તમામ અધિકારીઓને આ સ્થિતિ વિશે અવગત કરાવે.” બેન્ચે આગળ કહ્યું કે “કસ્ટમ અધિકારીઓએ તે વાત સુનિશ્ચિત કરવી જોઈએ કે ભારતીય પ્રવાસીઓ દ્વારા મુસાફરી દરમિયાન પહેરવામાં આવતા જૂના ઘરેણાં, વ્યક્તિગત ઘરેણાં અથવા વપરાયેલા ઘરેણાં પણ બિનજરૂરી રીતે જપ્ત ન કરવામાં આવે, જેથી ભારત આવતા પ્રવાસીઓને કોઈ અસુવિધા ન થાય તેને સુનિશ્ચિત કરી શકાય”.
કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો કે જ્યાં સુધી નિયમોમાં સંશોધન ન થાય ત્યાં સુધી મુસાફરોના ઘરેણાં જપ્ત કરવાની પ્રક્રિયા પારદર્શક અને સરળ બનાવવામાં આવે. સાથે જ અધિકારીઓને મુસાફરોના નિવેદનો નોંધવા માટે પ્રમાણિત ફોર્મેટ અપનાવવાનું પણ વિચારવા કહેવામાં આવ્યું છે.
નિયમોને સરળ બનાવવાની જરૂર: કોર્ટ
પિટિશનમાં કોર્ટને જાણવા મળ્યું કે વિદેશથી પરત ફરતા વિવિધ યાત્રિયો, પ્રવાસીઓ અને ભારતીય નાગરિકોને રોકવામાં આવી રહ્યા છે અને તેમના દ્વારા પહેરવામાં આવતા ઘરેણાં સહિત વિવિધ વસ્તુઓ જપ્ત કરવામાં આવી રહી છે. 27 માર્ચના રોજના પોતાના આદેશમાંબેન્ચે કહ્યું હતુ કે SOP માં કોર્ટ દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ મુદ્દાઓ સામેલ હોવા જોઈએ. બેન્ચે કહ્યું હતુ કે જપ્ત કરાયેલા સામાનના મૂલ્યાંકન અને નિકાલની પ્રક્રિયાઓને પણ સરળ બનાવવાની અને પુનર્વિચાર કરવાની જરૂર છે.