સમગ્ર વૈષ્ણવ સંપ્રદાયના ઇષ્ટદેવ શ્રીનાથદ્વારા મંદિરના મુખ્યાજી પ.ભ. શ્રી ઇન્દ્રવદનજીની પાવન નિશ્રામાં શ્રી ગોકુલેશ પ્રભુના મહાઉત્સવ નિમિત્તે 56 ભોગના ભવ્ય મનોરથના દર્શનનો કાર્યક્રમ શ્રી કપડવંજ દશા પોરવાડ મિત્ર મંડળ અમદાવાદના ઉપક્રમે ભવ્યાતિભવ્ય રીતે ડીકે હોલ અમદાવાદ ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રી કપડવંજ દશા પોરવાડ મિત્ર મંડળ મુંબઈના પ્રમુખ દિલીપભાઈ દલાલ ઉપસ્થિત રહ્યા હતાં.તથા મુખ્ય મનોરથીઓ તરીકે શ્રીપાલ રાજેશ પરીખ તથા પરાગ કિશોરભાઈ શેઠ અને મૌનીશ નિલેશ દેસાઈ દ્વારા આર્થિક સૌજન્ય પ્રાપ્ત થયું હતું. આ પ્રસંગે સમગ્ર ભારત દેશમાં સૌપ્રથમ શતક દંપતી રક્તદાતા તરીકે સન્માન પ્રાપ્ત કરનાર ડો. વિનિત સી.પરીખ તથા તથા ચેતનાબેન પરીખનું અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમજ અમદાવાદ મંડળના પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઈ દેસાઈનું લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ મિત્ર મંડળના પ્રમુખ નિલેશભાઈ વી. દેસાઈએ સ્વાગત કર્યું હતું. જ્યારે મંત્રી જે.એન. દેસાઈ અને ખજાનજી અશેષ યુ. દેસાઈએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો. આ પ્રસંગે શ્રીનાથજીથી પધારેલા મુખ્યાજી દેવેન્દ્રભાઈ દ્વારા ભવ્ય આરતી તેમજ ઉપસ્થિત રહેલા કિર્તનીયાઓ દ્વારા હવેલી સંગીત અનુસાર કીર્તન રજુ કરાતાં સૌ ભાવવિભોર બની ગયા હતા. શ્રીનાથજીના મંદિર સમાન પવિત્ર વાતાવરણ અને મનમોહક શ્રીજીબાવાના દર્શન તથા 56 ભોગની સામગ્રી દ્રષ્ટિ ગોચર થતાં ઉપસ્થિત સૌ જ્ઞાતિ પરિવારના સદસ્યોએ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મંચસ્થ ડો. વિનીત સી.પરીખ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત પ્રસંગે મુંબઈથી પધારેલા મિત્ર મંડળના હોદ્દેદારો શૈલેષ આર.પરીખ, મુકેશ પરીખ તથા મહિલા મંડળના હોદ્દેદારો તેમજ કપડવંજથી પધારેલા મિત્ર મંડળના પ્રમુખ કીર્તન કે.પરીખ તથા મંત્રી ધર્મેશ કે.પરીખનું સ્મૃતિ ચિન્હ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.
રીપોટૅર-સુરેશ પારેખ(કપડવંજ)