તાજેતરમાં જ રાજકોટમાં બનેલા આગના ગમખ્વાર બનાવમાં બાળકો સહિત મોટેરાઓએ પણ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે કપડવંજમાં પણ આવો કોઈ બનાવ બને ત્યારે પાલિકાનું ફાયર વિભાગ કેટલું સજ્જ છે આ પ્રશ્ન હાલ કપડવંજમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ત્યારે પાલિકાતંત્ર ફાયરને લગતી કામગીરી કરવા માટે હરકતમાં આવ્યું છે.ફાયર સેફટી અંગે જરૂરી કાર્યવાહીનો આરંભ કરી આગામી સમયમાં ફાયરને લગતા પ્રશ્નોમાં કોઈપણ મોલ, થીયેટર, હોસ્પિટલ, વિવિધ કચેરીઓ વગેરે સામે કાર્યવાહી કરવામાં આવનાર છે તેમ સુત્રોએ જણાવ્યું હતું.
કપડવંજ નગર સેવા સદનના સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર કપડવંજ નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે. સર્વે દરમ્યાન કુલ-૪ જણાને નોટીસો આપી છે. તેમાં રત્નાગીરી રોડ ઉપર આવેલ અપના માર્ટ, ડાકોર રોડ ઉપર આવેલ કોલેજની પાસેના બીગ માર્ટ, રન્તાગીરી રોડ ઉપર આવેલ સ્વામીનારાયણ મંદિર સામેના ગાયત્રી માર્ટ તથા નડિયાદ રોડ ઉપર આવેલ આઘાર મોલને એન.ઓ.સી. પરવાનગી મેળવવા માટે નોટીસો ફટકારી છે. તદ્ઉપરાંત મોટા મોટા બિલ્ડીંગો, રેસ્ટોરન્ટ, સરકારી તથા ખાનગી દવાખાના,જી.આઈ.ડી.સી. સેક્ટરમાં જેટલી ફેક્ટરીઓ છે ત્યાં,પેટ્રોલ પંપ,સિનેમાધરો આ બધાને ફાયર એન.ઓ.સી.આપી છે તે રિન્યુ કરાવી છે કે નહીં એ ચેક કરવાનું તથા કોઈએ એન.ઓ.સી. લીધી છે કે નહીં તે ચેક કરી જરૂરી કાર્યવાહી કરવાની છે.
પ્રાદેશિક કમિશ્નર દ્વારા મળેલ સુચના અનુસાર કિંમટીની રચના કરવાની છે.જેમાં કપડવંજ નગરપાલિકાના ચીફ ઓફીસર અધ્યક્ષ રહેશે.તથા નગરપાલિકાના ઈજનેર, એમ.જી.વી.સી.એલ.ના ઈજનેર,મામાલતદાર કચેરી, પોલીસ વિભાગ,માર્ગ અને મકાન (સ્ટેટ) કચેરી દ્વારા જોઈન્ટ કાર્યવાહી કરવાની છે.દરેકને જુદી જુદી જવાબદારી સોંપવામાં આવશે.જેમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા બિલ્ડીંગ,સ્ટ્રક્ટર અને મીકેનીકલને લગતી કાર્યવાહી, એમ.જી.વી.સી.એલ.દ્વારા ઈલેક્ટ્રીકને લગતી કાર્યવાહી, ફાયર વિભાગ દ્વારા ફાયરને લગતી કાર્યવાહી,પાલિકા દ્વારા બિલ્ડીંગની પરવાનગીને લગતી કાર્યવાહી, રેવન્યુ દ્વારા રેવન્યુને લગતી કાર્યવાહીમાં મિલકતની તપાસ થશે. તેમજ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની કામગીરી કરશે. સદર કિંમટી આગામી ટૂંક જ સમયમાં એક્શનમાં આવી જશે. તદ્ઉપરાંત ઝોનલ ફાયર ઓફીસર દ્વારા રાજ્યની વિવિધ નગરપાલિકાઓ વિસ્તારની ચકાસણી કરશે અને તેમના લેવલે ટીમ નક્કી કરી જ્યાં પણ ખામી હોય ત્યાં જરૂરી કાર્યવાહી કરવામાં આવનાર છે તેમ પાલિકાના સુત્રોએ જણાવ્યું હતું.