ખેડા જિલ્લાના ડાકોર મંદિરમાં વધુ એકવાર ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર જગદીશ દવે વિવાદમા આવ્યા છે, જેમાં વિનોદભાઈ શિવશંકરભાઈ સેવકે તેઓ સામે ભ્રષ્ટાચાર કૌભાંડ સહિતના ગંભીર આક્ષેપો સાથે પત્ર લખતા ડાકોર પંથકમાં ખડભડાટ મચ્યો છે.
વર્ષો જુની પરંપરા મુજબ ગાયોનુ દાન ન કરી તેમજ ગાયોને કંસાર બનાવી ન ખવડાવી પરંપરા તોડી ગેરવહીવટ કર્યાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. જેમાં જગદીશ દવે જ્યારે મેનેજર હતા ત્યારે અનેક કૌભાંડો અને ભ્રષ્ટાચાર મામલે ખાતાકીય તપાસ પણ થઈ હતી તેવો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. માથાભારે મંદિર મેનેજર મનસ્વી ગેરવહીવટ અને ગેરવર્તન કરી મંદિરની છબી ખરડી રહ્યા છે તેવો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે હું કરું તે ખરું, હું ધારું તો મંદિર રાત્રે પણ ખોલાવી શકું, હું ધારું તો મંદિરમાં કોઈને બેસવા પણ ન દઉં, હું મેનેજર છું, જેને જ્યાં જવું હોય ત્યાં જાય મારું કશું કોઈ તોડી લેવાનું નથી… મેનેજર દ્વારા આ પ્રકારનુ ગેરવર્તણુક કરવામા આવે છે નો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. આ સાથે જો મેનેજરને તાત્કાલિક પદ પરથી છુટા કરવામાં નહીં આવે તો 27/1/2025 ના રોજ મંદિરના નાના દરવાજા પાસે આમરણાંત ઉપવાસ પર બેસવાની ફરજ પડશે તેવી વિનોદભાઈ સેવકે ચીમકી ઉચ્ચારી છે.