પરેડ કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વૃક્ષારોપણ દ્વારા પ્રજાસત્તાક દિવસ ઉજવણી
ગુજરાત સહકાર, મીઠા ઉદ્યોગ, લઘુ સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની મુખ્ય ઉપસ્થિતિમાં કપડવંજ કોલેજ ગ્રાઉન્ડ ખાતે ૭૬ મો પ્રજાસત્તાક દિવસ ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું અને સલામી આપી હતી. મંત્રીએ કલેકટર અમિત પ્રકાશ યાદવ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા સાથે પરેડ નિરીક્ષણ કરી કપડવંજ નગરજનોનું અભિવાદન કર્યું અને પ્રજાસત્તાક દિવસની સૌ નગરજનોને શુભકામનાઓ પાઠવી હતી.
ભારતના ૭૬મા પ્રજાસત્તાક પર્વના શુભ અવસરે મંત્રીએ દેશવાસીઓને સુરક્ષિત, સ્વસ્થ અને સુવિકસિત ભવિષ્યની શુભેચ્છાઓ આપી જણાવ્યું કે ભારત માતાની ભૂમિ માત્ર માટી નહિ, પરંતુ તેના કણ કણમાં શૂરવીરતા, સાહસ અને સમર્પણની ગાથા સમાયેલી છે. મંત્રીશ્રીએ કહ્યું કે વિકસિત ભારતની દિશામાં આગળ વધી રહેલો દેશ હવે દેશના વીર સપૂતોના સ્વપ્નનું સાકાર રૂપ બની રહ્યો છે, જે દેશવાસીઓ માટે ગૌરવની બાબત છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે સંત, સાક્ષર અને સરદારની આ ચરોતરની ભૂમિ, ખેડા જિલ્લો રાજ્યમાં યશકલગી સમાન છે. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ, રવિશંકર મહારાજ અને ઈન્દુલાલ યાજ્ઞિક જેવા મહાનુભાવોના રાજકીય, સામાજિક અને આધ્યાત્મિક ક્ષેત્ર નોંધપાત્ર યોગદાનને યાદ કર્યુ. સરદાર સાહેબના વિચારો પર પ્રકાશ પાડતા મંત્રીશ્રીએ જણાવ્યું કે ભારતનું સૌથી મોટું લક્ષ્ય મજબૂત શક્તિ બનવાનું હોવું જોઈએ.
મંત્રીશ્રીએ ચરોતરની ભૂમિને ખેતી અને સહકારમાં અગ્રેસર ગણાવતા ગુજરાતના સહકારી મોડલને દેશ માટે ઉદાહરણરૂપ ગણાવ્યું. તેમણે સુશાસનના માધ્યમથી યુવાનોને રોજગારી, મહિલાઓને સન્માન અને ખેડૂતોને સહારો પૂરો પાડવામાં ગુજરાતની ભૂમિકા અંગે પ્રકાશ પાડ્યો. તેમણે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે જળ, જમીન અને પ્રકૃતિના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મંત્રીશ્રીએ ‘એક પેડ માં કે નામ’ અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળ્યાનું જણાવતાં કહ્યું કે ગુજરાતે અત્યાર સુધીમાં ૧૩ કરોડ ૯૫ લાખ વૃક્ષો વાવીને બીજું સ્થાન હાંસલ કર્યું છે. વિશ્વ સ્તરે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે ભારતની આગેવાનીની વાત કરી અને ‘વિશ્વ-મિત્ર’ તરીકે ભારતની ભૂમિકા વિશે તેમણે જણાવ્યું. અંતમાં તેમણે ગુજરાતના વિકાસના અભિગમ માટે ગૌરવ વ્યક્ત કર્યું અને ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાથી વિશ્વ કલ્યાણ માટે ભારતના યોગદાનને રેખાંકિત કર્યું.
કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની વિવિધ પોલીસ પ્લાટુન દ્વારા માર્ચ પાસ્ટ કરાવી, પોલીસ બેન્ડની મધુર સુરાવલીઓ સાથે કપડવંજ સહિત સમગ્ર ખેડા જિલ્લાને ગુંજાવ્યો હતો. તથા શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા સૂર્યનમસ્કાર, ગરબો, રાજસ્થાની નૃત્ય, ડ્રામા એક્ટ કરીને લોક સંસ્કૃતિને ઉજાગર અને વીર જવાનોને વંદન કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતાં.
આ અવસરે જિલ્લામાં વિવિધ ક્ષેત્રે નોંધનીય કામગીરી કરનારાઓનું મંત્રીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યુ હતું. જેમાં, અતિવૃષ્ટિ દરમિયાન નવજાત શિશુના બચાવ કામગીરી માટે પોલીસ ઇન્સ્પેકટર ખેડા ટાઉન પોલીસ સ્ટેશન, એચ. વી. સીસારા, વરસાદમાં ફસાયેલ લોકોને સુરક્ષિત સ્થળે ખેસેડવા સહિતની બચાવ કામગીરી કરવા માટે એ.એસ.આઇ. મહેમદાવાદ પોલીસ સ્ટેશન મુકેશભાઈ કલ્યાણભાઈ, રાજ્ય અનામત પોલીસ દળ જુથ-૭ રમેશભાઈ પોપટભાઈ કળસરીયા, અરવિંદભાઈ ભવાનસિંહ ખાંટ અને ફાયર ઓફીસર દિક્ષિતભાઈ વી. પટેલ; ઇમરજન્સી કેસમાં દર્દીઓને સમયસૂચકતાથી હોસ્પિટલ ખસેડવા રવિરાજસિંહ કાળુભાઈ ગોહીલ, ધર્મેન્દ્રભાઈ જાદવ, જયેશભાઈ પ્રજાપતિ અને નડીઆદ મેડીકલ ઓફીસર ૧૦૮ એમ્બ્યુલન્સ, મિત્તલબેન પર્વતભાઈ ખાંટ; શ્રેષ્ઠ યોગ કોચ તરીકે રાની નરેન્દ્ર ઠાકર અને દિનેશરાય ટી. મહેતા તથા અંડર ૧૭ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં સ્પર્ધામાં તૃતીય સ્થાન મેળવી બ્રોન્ઝ મેડલ મેળવવા બદલ કામાક્ષી સોનક જોશીનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો અંત રાષ્ટ્રગાન કરીને મંત્રી સહિત ઉપસ્થિત તમામ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. કાર્યક્રમમાં કપડવંજ ધારાસભ્ય રાજેશ ઝાલા, નગર પાલિકા પ્રમુખ વર્ષાબેન પંચાલ, કલેકટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવા,પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, નિવાસી અધિક કલેકટર જે.બી.દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ, મહામંત્રી રાજેશ પટેલ, કપડવંજનું ગૌરવ સમાન નિવૃત્ત આઈ.એસ. અધિકારી ડો. ડી.ડી. કાપડીયા, નાયબ વન સંરક્ષક અભિષેક સામરીયા સહિત જિલ્લા વહીવટી તંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, જિલ્લા અગ્રણીઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.
રિપોર્ટર-સુરેશ પારેખ(કપડવંજ )