ખેડા લોકસભા બેઠક પર કોંગ્રેસ અને ભાજપ દ્વારા ગામેગામ મિટીંગો કરી એડીચોટીનું જોર લગાવ્યું હતું, પરંતુ ગત 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટે ખેડા બેઠક પર મતદાન યોજાયું હતું, જેમાં મતદારોનો મિજાજ કેસરિયો જોવા મળ્યો હતો. મંગળવારે મતગણતરી બાદ ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણની 3.57 મતોની સરસાઇ સાથે ભવ્ય જીત થઇ હતી. ક્ષત્રિય આંદોલનની અસર ખેડા બેઠકના પરિણામ ઉપર જોવા મળી ન હતી.
વધુમાં જોઈએ તો, ભાજપના ઉમેદવારને 7,44,435 અને કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીને 3,86,677 મત મળ્યા હતા.
કાળઝાળ ગરમી અને ક્ષત્રિય આંદોલનની અસર વચ્ચે 58.12 ટકા મતદાન આ બેઠક પર થયું હતું. જોકે, મતદાનના દિવસે જ ભાજપે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મંગળવારે મતગણતરીના દિવસે સવારે પહેલાં રાઉન્ડથી જ ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ 4 હજારથી વધુની સરસાઇ સાથે આગળ રહ્યા હતા. આમ ખેડા લોકસભા બેઠકમાં ભાજપે વિજયનો ઝંડો ફરકાવતા વિરોધ પક્ષમાં સોપો પડી જવા પામ્યો હતો.