ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે. ખેડા જિલ્લાએ હંમેશા ખેલાડીઓને પ્રતિભાવને કૌશલ્ય પ્રદર્શિત કરવા માટે ઉત્કૃષ્ટ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે.
જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, નડિયાદ, જી. ખેડા દ્વારા સંચાલિત “ખેલ મહાકુંભ- ૩.૦” અંતર્ગત ખેડા જિલ્લાકક્ષા કરાટે સ્પર્ધાનું આયોજન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મરીડા ભાગોળ, નડીયાદ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં અન્ડર-૧૪, અન્ડર-૧૭ અને ઓપન વિભાગની ભાઈઓ અને બહેનોની સ્પર્ધામાં કુલ ૨૫૦થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે કલેક્ટર અમિત પ્રકાશ યાદવે ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધારી સ્પર્ધાની શરૂઆત કરાવી હતી.
જિલ્લા કલેક્ટર દ્વારા નેશનલ સ્કૂલ ગેમ્સ – ૨૦૨૪-૨૫ માં તથા એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડીયા દ્વારા આયોજિત નેશનલ સ્પર્ધામાં મેડલ વિજેતા ખિલાડી રોશનબા વાળા (૧૦૦ મીટર દોડ SGFI સ્પર્ધા, લખનૌ), ભંડેરી ધેર્ય (ભાલાફેક જુનિયર નેશનલ સ્પર્ધા, ભુવનેશ્વર), ઠાકોર કિંજલ (લાંબીકૂદ જુનિયર નેશનલ સ્પર્ધા, ભુવનેશ્વર) અને કાજલ વાઝા (૧૦૦ મીટર દોડ સ્કૂલ ગેમ, રાંચી) ને સન્માનિત કરવામાં આવ્યા હતા. અત્રે ખાસ નોંધનીય છે કે ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત શ્રેષ્ઠ જિલ્લો અને સ્ટેટ ઓલઓવર ચેમ્પિયન ટ્રોફીનું સન્માન તાજેતરમાં જ ખેડા જિલ્લાને પ્રાપ્ત થયું છે. સ્પોર્ટસ કોમ્પ્લેક્સ નડિયાદ ખાતે આયોજિત કરાટે સ્પર્ધામાં જિલ્લા રમત વિકાસ અધિકારી મનસુખ તાવેથીયા, જિલ્લા રમત ગમત અધિકારી લક્ષ્મણભાઈ ચૌહાણ, ખેડા જિલ્લા કરાટે એસોશિએશનના સેક્રેટરી, રાજ કૌશિક સહિત મોટી સંખ્યામાં સ્પર્ધકો, તેમના માતા-પિતા તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.