કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસને લઈને વિરોધ પ્રદર્શન કરી રહેલા ડૉક્ટરોએ કામ પર પરત ફરવાની જાહેરાત કરી છે. આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેઈની મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ-હત્યા કેસને લઈને 9 ઑગસ્ટથી જુનિયર રેસિડેન્ટ ડૉક્ટરો હડતાળ કરી રહ્યા હતા. આ દરમિયાન મમતા સરકાર પણ કામ પર પાછા ફરવાની સતત માંગ કરી રહી હતી. સુપ્રીમ કોર્ટે પણ ડૉક્ટરોને કામ પર પાછા ફરવાનું કહ્યું હતું.
ડૉક્ટરો શનિવારથી કામ પર પાછા ફરશે
જુનિયર ડૉક્ટરોએ 20 સપ્ટેમ્બરથી સ્વાસ્થ્ય ભવન અને કોલકાતામાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. જેમાં હડતાળ કરી રહેલા ડૉક્ટરો શનિવારથી કામ પર પાછા ફરશે અને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાની સાથે લોકોને મદદ કરશે. આમ 41 દિવસ અંતે ડૉક્ટરો આવશ્યક સેવાઓ પર પાછા ફરશે.
ડૉક્ટરોની 5 માંથી 3 માંગણીઓ સરકારે સ્વીકારી
કોલકાતાની ઘટનાના વિરોધમાં જુનિયર ડૉક્ટરોના સંગઠનોએ હડતાળનું એલાન કર્યું હતું. જેના કારણે બંગાળની આરોગ્ય સેવાઓ ખોરવાઈ ગઈ હતી. હડતાળ પર બેઠેલા જુનિયર ડૉક્ટરોની 5 માંગણીઓ હતી. જેમાંથી મમતા સરકારે 3 માંગણી સ્વીકારી હતી. ખુદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ડૉક્ટરોના પ્રતિનિધિમંડળ સાથે વાત કર્યા બાદ, આરોપીઓ સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું.
નવા IPS અધિકારીને જવાબદારી સોંપવામાં આવી
મમતા બેનર્જીએ ડૉક્ટરોની 5માંથી 3 માંગણીઓ સ્વીકારવાની સાથે તબીબી શિક્ષણ નિયામક અને આરોગ્ય સેવાઓના નિયામકને હટાવી દેવામાં આવ્યાં છે. આ સાથે કેસને લઈને પોલીસ કમિશનર વિનીત ગોયલને પણ મંગળવારે હટાવીને નવા IPS અધિકારીને જવાબદારી સોંપવામાં આવી હતી. પીડિતાના પરિવારે લાંચ લેવાનો આરોપ લગાવેલા કોલકાતા પોલીસના ડેપ્યુટી કમિશનરને પણ હટાવી દેવામાં આવ્યા હતા.
જુનિયર ડૉક્ટરોએ આ 5 માંગણીઓ કરી હતી
1. તાલીમાર્થી ડૉક્ટર પર દુષ્કર્મ-હત્યા પછી પુરાવાઓને નષ્ટ કરવા માટે જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરવી જોઈએ અને તેમને સજા થવી જોઈએ.
2. મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ.સંદીપ ઘોષ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
3. કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલ અને આરોગ્ય સચિવ નારાયણ સ્વરૂપ નિગમના રાજીનામાની માંગણી કરી હતી.
4. આરોગ્ય કર્મચારીઓ માટે વધુ સારી સુરક્ષા વ્યવસ્થા થવી જોઈએ.
5. સરકારી આરોગ્ય સંસ્થાઓમાં ‘ધમકાવવાની સંસ્કૃતિ’ નાબૂદ થવી જોઈએ.
CJIએ શું કહ્યું?
9 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન CJIએ કહ્યું હતું કે, ‘ડૉક્ટરોએ કામ પર પાછા ફરવું જોઈએ અને અમે તેમને પૂરી પાડવામાં આવતી તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરીશું. જો તેઓ આમ નહીં કરે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.’
સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે, પોલીસે તમામ ડૉક્ટરોની સલામતીને સુનિશ્ચિત કરવા માટે જરૂરી પરિસ્થિતિ બનાવવામાં આવે, જેમાં અલગ ડ્યુટી રૂમ, શૌચાલયની સુવિધા, સીસીટીવી કેમેરા લગાવવાનો વ્યવસ્થા કરવામાં આવે. ડૉક્ટરોએ કામ પર પાછા ફરીને તેમનું કાર્ય પૂર્ણ કરવું જોઈએ.