નવરાત્રીના નવ દિવસ બાદ દશમા દિવસે શનિવારે દશેરાની સમગ્ર જિલ્લામાં ઉજવણી કરવામાં આવશે, જેને લઈ નડિયાદ શહેરમાં પંજાબી સમાજ દ્વારા હેલીપેડ ગ્રાઉન્ડમાં 55 ફુટ ઊંચા રાવણ બનાવાશે અને દહન કરાશે. આ સમયે નડિયાદ શહેરના અને આસપાસના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.
નડિયાદ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ૫૫ ફુટ ઊંચા રાવણ બનાવાશે અને દહન કરાશે. પંજાબી સમાજ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. છેલ્લા આશરે ૭૦ વર્ષથી પરંપરાગત રીતે નડિયાદમાં પંજાબી સમાજ દ્વારા દશેરાની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં દશેરાના દિવસે બપોર બાદ સંતરામ મંદિરથી નિયત કરેલા માર્ગો પર શોભાયાત્રા નીકળે છે, જે બાદ મોડી સાંજે 7 વાગ્યાની આસપાસ આ શોભાયાત્રા હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે પહોંચે છે અને ત્યાં ભવ્ય રીતે રાવણ દહન કાર્યક્રમ યોજાય છે. આ ઉપરાંત ઝાંખી અને આતશબાજી પણ કરવામાં આવશે.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાનમા નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ પણ હાજરી આપશે.