ગુજરાતના સિંહોના વસવાટ વિસ્તાર ગણાતા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીકથી અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક સિંહે પરપ્રાંતીય યુવક પર જીવલેણ હુમલો કરીને તેને પોતાનો શિકાર બનાવ્યો હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભય અને અરેરાટીનો માહોલ સર્જાયો છે.
મળતી માહિતી મુજબ મૃતક યુવકની ઓળખ પ્રકાશ ચંદ્ર તરીકે થઈ છે, જે મૂળ ઉત્તરાખંડનો રહેવાસી હતો અને સ્થાનિક હોટલ-રેસ્ટોરન્ટમાં નોકરી કરતો હતો. મોડી રાત્રે તે પોતાના વતન જવા માટે નીકળ્યો હતો, ત્યારે કોવાયા ગામ નજીક સિંહે તેના પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.
યુવકને ખેંચીને ઝાડીઓમાં લઈ ગયો સિંહ
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સિંહ યુવકને ઢસડીને નજીકની ઝાડીઓ અને સીમ વિસ્તારમાં લઈ ગયો હતો. સવારે લોકો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ત્યાંથી માત્ર માથાનો ભાગ અને હાડકાના કેટલાક અવશેષો મળ્યા હતા. ઘટનાની ભયાનકતા જોઈ સ્થાનિકો અને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
આ બનાવ બાદ કોવાયા ગામ સહિત આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા કર્મચારીઓ અને ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે.
સ્થાનિકોનો વનવિભાગ સામે રોષ
સ્થાનિક રહેવાસીઓ અને કંપની કર્મચારીઓએ વનવિભાગ સામે રોષ વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે આ વિસ્તારમાં સિંહોની અવરજવર છેલ્લા ઘણા સમયથી વધી રહી છે અને રાત્રિના સમયે લોકો માટે અવરજવર કરવી જોખમી બની ગઈ છે.
સ્થાનિક કર્મચારીઓના જણાવ્યા મુજબ આસપાસ આવેલી કંપનીઓમાં હજારો લોકો દિવસ-રાતની શિફ્ટમાં કામ કરે છે, પરંતુ સુરક્ષાના પૂરતા પગલાં ન હોવાથી કામદારો સતત જોખમમાં જીવી રહ્યા છે. લોકોની માંગ છે કે વનવિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવે.
સરપંચે ટ્રેકર્સની ભરતી અને વળતરની માંગ કરી
કોવાયા ગામના સરપંચે ઘટનાને ગંભીર ગણાવી સરકાર અને વનવિભાગ સમક્ષ અનેક માંગણીઓ મૂકી છે. તેમણે જણાવ્યું કે અગાઉ નજીકના ભાકોદર વિસ્તારમાં પણ આવી જ દુર્ઘટના બની ચૂકી છે.
સરપંચે માંગ કરી છે કે સ્થાનિક સ્તરે વધુ ટ્રેકર્સની ભરતી કરવામાં આવે, જેથી સિંહોની હિલચાલ પર સતત નજર રાખી શકાય. સાથે જ મૃતકના પરિવારને તાત્કાલિક આર્થિક સહાય અને વળતર આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.
તેમણે ચેતવણી આપી છે કે જો સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા વિરોધ આંદોલન શરૂ કરવામાં આવશે.
વનવિભાગ એક્શન મોડમાં, મેગા ઓપરેશન શરૂ
ઘટનાની જાણ થતાં જ વનવિભાગ અને પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિશેષ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
વનવિભાગે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સિંહની હિલચાલ પર નજર રાખી હતી. વન્યજીવ નિષ્ણાતો અને ડૉક્ટરોની ટીમો પણ ઘટનાસ્થળે તહેનાત કરવામાં આવી હતી. ટ્રેન્ક્યુલાઇઝર ગનની મદદથી સિંહને કાબૂમાં લેવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
અહેવાલો મુજબ વનવિભાગે ગણતરીના કલાકોમાં હુમલાખોર સિંહને પાંજરે પુરવામાં સફળતા મેળવી હતી. જોકે વિસ્તારમાં અન્ય સિંહોની હાજરીને ધ્યાનમાં રાખીને વધુ રેસ્ક્યૂ કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
રાત્રે બહાર ન નીકળવા વનવિભાગની અપીલ
વનવિભાગે સ્થાનિક ગ્રામજનો અને કંપની કર્મચારીઓને રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા, ટુ-વ્હીલર પર સીમ વિસ્તારમાં અવરજવર ટાળવા અને જૂથમાં જ મુસાફરી કરવા માટે અપીલ કરી છે.
અધિકારીઓનું કહેવું છે કે હાલ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોની સુરક્ષા માટે વધારાના વનકર્મીઓ તૈનાત કરવામાં આવશે.
તાજેતરમાં સિંહોમાં રોગચાળો પણ ચર્ચામાં રહ્યો હતો
ઉલ્લેખનીય છે કે ગીર અને આસપાસના વિસ્તારોમાં તાજેતરમાં સિંહોમાં બેબેસિયા અને અન્ય ચેપજન્ય રોગોના કેસ સામે આવ્યા હતા. આ રોગચાળાને કારણે અનેક સિંહોના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા.
વનવિભાગ દ્વારા અનેક સિંહોને એનિમલ કેર સેન્ટરોમાં આઇસોલેટ કરીને સારવાર આપવામાં આવી હતી. જોકે અધિકારીઓએ દાવો કર્યો હતો કે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
આ ઘટના બાદ ફરી એકવાર માનવ અને વન્યજીવ વચ્ચેના સંઘર્ષનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે અને સિંહોના વસવાટ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની માંગ ઉઠી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel