રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આગામી માસથી દિવાળી સુધી રેપો રેટમાં ઘટાડો કરે તેવા સંકેત મળી રહ્યા છે. આરબીઆઈ દ્વારા આગામી મહિને 4 થી 6 જૂન દરમિયાન સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નાણાકીય નીતિ સમિતિ તરફથી મહત્વપૂર્ણ નિર્ણય લઈ રેપો રેટમાં ઘટાડો કરી શકે છે. જેના લીધે લોન ધારકોને રાહત મળી શકે છે.
આરબીઆઈ લોન ધારકોને દિવાળી ભેટ આપી શકે છે
આ ઉપરાંત આરબીઆઈ દ્વારા જૂનથી દિવાળી સુધી 0.50 ટકાનો ઘટાડો નિશ્ચિત માનવામાં આવે છે. આરબીઆઈ સમિતિની બેઠક પહેલા જ 0.25 ટકાના ઘટાડા પર સર્વસંમતિ થઈ ગઈ છે. ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં અથવા સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં યોજાનારી બેઠકમાં આરબીઆઈ દ્વારા રેપો રેટમાં બીજો ઘટાડો શક્ય છે. દિવાળી પણ 20 ઓક્ટોબરે છે. ત્યારે આરબીઆઈ લોન ધારકોને દિવાળી ભેટ આપી શકે છે.
આ ઉપરાંત મહિનાની શરૂઆતમાં એસબીઆઇના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે જૂન અને ઓગસ્ટ મહિનામાં યોજાનારી બેઠકોમાં લગભગ 75 બેસિસ પોઈન્ટનો ઘટાડો થઈ શકે છે, જ્યારે નાણાકીય વર્ષ 2026 ના બીજા ભાગમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો પણ શક્ય છે.
આરબીઆઈએ ફેબ્રુઆરીથી રેપો રેટ ઘટાડવાનું શરૂ કર્યું
ઉલ્લેખનીય છે કે, આરબીઆઈએ ફેબ્રુઆરીથી રેપો રેટ ઘટાડવાનું શરૂ કર્યું છે. ત્યારથી બે બેઠકોમાં 0.50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આના કારણે રેપો રેટ ઘટીને 6 ટકા થઈ ગયો છે. નાણાકીય નીતિ સમિતિ (MPC)માં 6 સભ્યો છે. આરબીઆઈ ની બેઠક દર બે મહિને યોજાય છે. રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2025-26 માટે નાણાકીય નીતિ સમિતિની બેઠકોનું સમયપત્રક જાહેર કર્યું છે. જે મુજબ નાણાકીય વર્ષમાં કુલ 6 બેઠકો યોજાશે.