ઉમરેઠમાં કોર્ટ રોડ પર જૂના પોલીસ સ્ટેશન નજીક એક બંધ મકાનમાં ચોરી થતા પોલીસ ફરિયાદ થઈ. કોર્ટ રોડ પર રૂપામંગલમ શોરૂમ જોડે આવેલી ગલીમાં એક બંકિમભાઈ શાહનું મકાન આવેલ છે. બંકિમ ભાઈ આણંદ રહેતા હોઇ આ મકાન બંધ રહે છે. આજે જ્યારે બંકિમ ભાઈ ઉમરેઠ આવ્યા ત્યારે તેમને પોતાના મકાનનું તાળું લાગેલું દેખાયું જ નહિ જેથી તેમણે મકાન ખોલીને ચેક કરતા ચોરી થયાની વાત સમજાઈ ગઈ. ત્યાર બાદ તેઓએ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ચોરીની જાણવાજોગ ફરિયાદ આપેલ છે. મકાન માલિક બંકિમ ભાઈના જણાવ્યા મુજબ એમના મકાનમાંથી પચાસ હજાર રોકડા, તાંબા પિત્તળના વાસણો અને ઘણીબધી વસ્તુ ચોરી થઈ ગયેલ છે. મકાન ખોલીને જોયું ત્યારે અંદર મુકેલી પતરા ની તિજોરી, લાકડાના કબાટ બધું ખુલ્લું મળ્યું હતું. ઉપરાંત મકાનના ઉપરના માળેથી ચોરો દ્વારા તાળું તોડવા ઉપયોગમાં લેવાયેલું લોખંડનું હથિયાર પણ મળ્યું હતું. ઉતરાયણ જેવા તહેવાર પર કોર્ટ અને નગરપાલિકાની એકદમ નજીક થયેલ આ ચોરી નગર જનો માટે ચોંકાવનારો કિસ્સો બની જવા પામ્યો છે.