વલસાડના પારડી તાલુકાના પલસાણામાં આવેલું રામેશ્વર મહાદેવ મંદિર, ગંગાદેવી મંદિર તરીકે પણ જાણીતુ છે. પેશવાકાળથી ઇતિહાસ સાથે જોડાયેલા આ મંદિરની દંતકથા રામાયણ અને ભગવાન શ્રીરામના વનવાસ સાથે જોડાયેલી છે.
ભગવાન શ્રીરામ,સીતા અને લક્ષ્મણ વનવાસ દરમિયાન દક્ષિણ ગુજરાતના અનેક સ્થળે રોકાયા હતાં. જેમાં ખાસ કરીને પારડી નજીક આવેલાં પલસાણા રામેશ્વર મંદિર પાસે સીતા માતાને તરસ લાગતા ભગવાન શ્રી રામચંદ્રજીએ તીર ચલાવતા સ્વયં ગંગામૈયા પ્રગટ થયા હોવાની પૌરાણિક કથા જોડાયેલી છે.
પલસાણા શ્રી રામેશ્વર મહાદેવ મંદિરની પૌરાણિક કથા ભગવાન શ્રીરામ સાથે જોડાયેલી છે. જયારે ભગવાન રામચંદ્રજીનો વનવાસ ચાલી રહ્યો હતો ત્યારે પલસાણા રામેશ્વર મંદિર પાસે સીતાજીએ ભગવાન રામને પીવાના પાણીની તરસ લાગી હોવાનું કહ્યુ હતુ અને ભગવાન શ્રીરામચંદ્રજીએ મંદિર પાસેના વડ,પીપળો અને ઉમરા પાસેના ઝાડ નજીક બાણ મારી સ્વયં ગંગાજીને પ્રગટ કરી સીતાજીની તરસ છિપાવી હતી. ત્યારથી ગંગાજીના જાત્રા તરીકે આ સ્થળ પ્રખ્યાત બન્યું છે. આ સ્થળ પર અનેક મહાકાય વડ આવેલા છે .જેથી આ સ્થળ પંચવટી તરીકે પણ ઓળખાય છે.
એક જમાનામાં આ સ્થળ ઘટાદાર જંગલ હતું. સમય સાથે પલસાણા ગામનો વિકાસ વધતો ગયો હતો. આ ગામ પેશ્વાઈકાળમાં અતિશય જાણીતું બન્યું હતું. ત્યારે પેશ્વાઈ રાજા દ્વારા પંચવટી વિસ્તારમાં રામેશ્વર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું . મંદિરમાં સ્વયંભૂ શિવલિગ સ્વરૂપ ભોળેનાથ બિરાજમાન થયેલા છે.
મંદિરના શિવલિંગ પર ભક્તો દૂધ,દહીં,બીલી,મધ અને ધતુરો ચડાવી ધન્યતા અનુભવે છે, અહીં આવતા તમામ ભક્તોની આધિ,વ્યાધિ અને ઉપાધિ ભોળેબાબા પળવારમાં દૂર કરે છે. આ મંદિરમાં ભક્તો પોતાના દુઃખ દર્દ માટે માનતાઓ માને છે અને ભોળે શંકર તમામ ભક્તોને સદાય આશીર્વાદ આપે છે.
મંદિરની પાછળના પંચવટી વિસ્તારમાં આવેલા વડમાંથી આજે પણ ગંગાજીની ધારા વહી રહી છે. બારેમાસ વહેતી ગંગાજીની ધારા એક કુંડમાં એકત્ર કરવામાં આવે છે. અહીં આવતા તમામ ભક્તો આ ગંગાજીનું પવિત્ર પાણી માથે ચડાવી ધન્યતા અનુભવે છે. શિવરાત્રીમાં મંદિર પરિસરમાં ભરાતા મેળામાં હજારો ભક્તો આવે છે. શિવરાત્રીમાં જૂનાગઢ બાદ પલસાણાનો મેળો જાણીતો બન્યો છે. સમગ્ર દેશમાંથી શિવભક્તો ગંગાજીની યાત્રા અને મેળો માણવા ગંગાજી મંદિરે આવે છે.
કોઈ સ્વજનની તર્પણ વિધિ નર્મદા કિનારે આવેલ ચાણોદમાં અથવા તો ગંગા કિનારે કરવામાં આવતી હોય છે. પોતાના સ્વજન માટે કરવામાં આવતી કોઈ પણ પ્રકારની વિધિઓ માટે આ વિસ્તારના લોકો પલસાણા ખાતે આવે છે. પૂર્વજો અને સ્વજનોની તર્પણ વિધિ કરવા માટે દૂર દૂરથી લોકો આ પવિત્ર યાત્રાધામમાં આવે છે.
આમ લોકોની અપાર શ્રદ્ધા અને ભક્તિ સાથે રામેશ્વર મહાદેવ સંકુલ સંકળાયેલું છે. છેલ્લા થોડા વર્ષોમાં પલસાણા મંદિરનો તબક્કાવાર વિકાસ થઇ રહ્યો છે. અહીં વલસાડ જિલ્લાની સાથે અન્ય જિલ્લાના લોકો પણ દર્શન અને સ્વજનની તર્પણ વિધિ ,અસ્થિ વિસર્જન અને શ્રાદ્વ કરવા માટે આવે છે.
પલસાણાનું પૌરાણિક મંદિર તીર્થ સ્થળ તરીકે વિકસી રહ્યું છે. શ્રી રામેશ્વર મહાદેવ મંદિર પરિસરને અઘત્તન બનાવવામાં આવ્યું છે. આ સ્થળને તીર્થસ્થળ તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. આવનારા દિવસોમાં મંદિર પરિસર તથા આજુબાજુના વિસ્તારનો વિકાસ કરવામાં આવશે. આજે પણ મંદિર આજુબાજુ પૌરાણિક અવશેષો જોવા મળી રહ્યા છે. ચોમાસામાં આ વિસ્તાર રમણીય બની જાય છે .અહીં આવતા ભક્તો માનસિક શાંતિનો અનુભવ કરે છે. ત્યારે ભોલેબાબા પણ દરેકની મનોકામના પૂર્ણ કરે છે
દક્ષિણ ગુજરાતના લોકો માટે અતિપાવન મનાતા આ મંદિરે શ્રાવણ માસ અને શિવરાત્રી દરમિયાન હજારો ભક્ત દર્શન માટે આવે છે. દર સોમવારે પણ મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે. તો સ્વજનની વિવિધ પ્રકારની વિધિઓ માટે પણ લોકો મોટી સંખ્યામાં મંદિરે આવે છે. ત્યારે આ મંદિરનો તીર્થધામ તરીકે વિકાસ થઇ રહ્યો છે.