વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના અનુમાન મુજબ, 2022માં, ભારતમાં કેન્સરના 14.1 લાખથી વધુ નવા કેસો સામે આવ્યા અને આ ગંભીર બીમારીને કારણે 9.1 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર ના અંદાજ મુજબ, પુરુષોમાં હોઠ, મોં અને ફેફસાંનું કેન્સર સૌથી સામાન્ય હતું, જે નવા કેસોમાં અનુક્રમે 15.6 ટકા અને 8.5 ટકા છે. જ્યારે સ્ત્રીઓમાં સ્તન કેન્સર અને સર્વાઇકલ કેન્સર સૌથી સામાન્ય હતું. જે નવા કેસોમાં અનુક્રમે 27 અને 18 ટકા છે.
દર પાંચમાંથી એક વ્યક્તિ કેન્સરથી પીડાય છે : IARC
IARC એ WHOની કેન્સર એજન્સી છે. આ રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું હતું કે ભારતમાં કેન્સરથી પીડિત હોવાની માહિતી મળ્યા બાદ પાંચ વર્ષ સુધી જીવતા લોકોની સંખ્યા લગભગ 32.6 લાખ છે. વૈશ્વિક સ્તરે, એજન્સીનો કેન્સરના 2 કરોડ નવા કેસ અને 97 લાખ મૃત્યુ, તેમજ કેન્સરની જાણ થયા બાદ પાંચ વર્ષ સુધી લગભગ 5.3 કરોડ લોકો જીવીત હોવાનો અંદાજ છે. દર પાંચમાંથી એક વ્યક્તિ કેન્સરથી પીડાય છે અને દર નવમાંથી એક પુરુષ અને દર 12માંથી એક સ્ત્રીનું આ રોગથી મૃત્યુ થાય છે. ભારતમાં, 75 વર્ષની ઉમર પહેલા કેન્સર થવાનું જોખમ 10.6 ટકા છે, જ્યારે સમાન વય જૂથમાં કેન્સરથી મૃત્યુ થવાનું જોખમ 7.2 ટકા છે. વૈશ્વિક સ્તરે, આ જોખમો અનુક્રમે 20 ટકા અને 9.6 ટકા છે. WHO એ 115 દેશોના સર્વેના પરિણામો પ્રકાશિત કર્યા અને કહ્યું કે મોટાભાગના દેશો યુનિવર્સલ હેલ્થ કવરેજ (UHC)ના ભાગ રૂપે કેન્સર અને પેઇન કેર સેવાઓને પૂરતા પ્રમાણમાં નાણાં આપતા નથી.
સ્ત્રીઓમાં સ્તન કેન્સર બીજા નંબરનું સામાન્ય કેન્સર
IARCના અનુમાન અનુસાર, 2022માં વૈશ્વિક સ્તરે લગભગ બે તૃતીયાંશ નવા કેસો અને મૃત્યુમાં 10 પ્રકારના કેન્સર સામેલ હતા. તેમના ડેટામાં 185 દેશો અને 36 પ્રકારના કેન્સરને આવરી લે છે. વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે ફેફસાનું કેન્સર એ સામાન્ય કેન્સર છે અને કેન્સરથી થતા મૃત્યુનું મુખ્ય કારણ પણ છે, જે કેન્સરથી થતા કુલ મૃત્યુના લગભગ 19 ટકા છે. આ ઉપરાંત IARCએ શોધી કાઢ્યું છે કે સ્ત્રીઓમાં સ્તન કેન્સર બીજા નંબરનું સામાન્ય કેન્સર છે અને વૈશ્વિક સ્તરે થતાં મૃત્યુમાં સાત ટકા સ્તન કેન્સરથી થાય છે. ડેટા અનુસાર, સર્વાઇકલ કેન્સર વૈશ્વિક સ્તરે આઠમું સામાન્ય કેન્સર હતું અને કેન્સરથી થતાં મૃત્યુમાં નવમું મુખ્ય કારણ હતું. એજન્સીએ જણાવ્યું હતું કે તમાકુ, આલ્કોહોલ અને સ્થૂળતા કેન્સરના વધતા કેસ પાછળ મુખ્ય પરિબળો છે.