ખેડા જિલ્લાના કપડવંજ-કઠલાલ રોડ ઉપર આવેલ ઉદાપુરા પાટિયા નજીક આજે વહેલી સવારે ૪.૦૦ વાગ્યાના અરસામાં એક લક્ઝરી બસ પલટી મારી જતાં તેમાં બેઠેલા 13 મુસાફરોને નાની-મોટી ઇજાઓ થઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. કપડવંજ રૂરલ પોલીસ અને 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને બસમાં ફસાઈ ગયેલા મુસાફરોને સહી સલામત બહાર કાઢ્યા હતાં. ઘાયલ થયેલ ૧૩ મુસાફરોમાંથી ૨ ને નડિયાદ, ૩ ને કઠલાલ અને ૮ મુસાફરોને કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં.
કપડવંજ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ડી.કે. રાઠોડના જણાવ્યા પ્રમાણે આ લક્ઝરી ગાડી ( એ.આર.૦૧ વાય. ૯૦૦૯ ) આમેટ રાજસ્થાનથી સુરત ખાતે જતી રહેલ હતી. સ્લીપર કોચ ન્યૂ કોઠારી ટ્રાવેલ્સની ગાડી પલટી મારી જવાના સમાચાર મળતા જ કપડવંજ રૂરલ પોલીસ અને આતરસુંબા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
આ ઉપરાંત કઠલાલ, કપડવંજ અને મહુધા 108 એમ્બ્યુલન્સના સ્ટાફ ઈમટી ઈરફાનભાઈ, પાઈલોટ દેવાંશુભાઈ, દિલિપભાઈ, રમેશભાઈ, જગદીશભાઈ, રયજીભાઈ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. પોલીસ સ્ટાફ અને 108 ના સ્ટાફે લક્ઝરીમાં ફસાઈ ગયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતાં અને 15 જેટલા સામાન્ય ઇજાગ્રસ્તોને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપી હતી.
મુસાફરોના જણાવ્યા પ્રમાણે 50 જેટલા મુસાફર લઇ જતી આ લક્ઝરીના ડ્રાઇવરને ઝોકું આવી જતાં તેણે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હોવાનું જણાવ્યું હતું. સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.