હાલ સંસદનું શિયાળું સત્ર ચાલી રહ્યું છે, જોકે સંસદમાં તાજેતરમાં જ સુરક્ષામાં થયેલી ચૂક મામલે આજે ફરી હોબાળો મચ્યો છે. આ મામલે વિપક્ષો સતત પોતાની માંગને વળગી રહેતા લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળો મચ્યો છે, જેના કારણે લોકસભા અધ્યક્ષ ઓમ બીરલાએ કોંગ્રેસ નેતા અંધીર રંજન ચૌધરી સહિત 33 સાંસદોને લોકસભાના આખા સત્રમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. અધીર રંજન ચૌધરી ઉપરાંત કે.સુરેશ, તૃણમૂલ કોંગ્રેસના કલ્યાણ બેનર્જી, સૌગત રોય, પ્રતિમા મંડલ, DMKના એ.રાજા અને RSPના એન.કે.પ્રેમચંદ્રન સહિત ઘણા સભ્યોને ગૃહની બાકીના સત્ર માટે સસ્પેન્ડ કરાયા છે. આ સાથે જ લોકસભાની કાર્યવાહી પણ આવતીકાલ સુધી સ્થગિત કરી દેવાઈ છે.
#WinterSession2023 #LokSabha: Parliamentary Affairs Minister @JoshiPralhad moves motion to suspend 33 MPs from the House.@ombirlakota @LokSabhaSectt @loksabhaspeaker pic.twitter.com/kB41P5ando
— SansadTV (@sansad_tv) December 18, 2023
અત્યાર સુધીમાં કુલ 47 વિપક્ષી સાંસદો સસ્પેન્ડ
આજે લોકસભામાં કાર્યવાહી શરૂ થયા બાદ વિપક્ષે ફરી સરકારને ઘેરવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. વિપક્ષો 13 ડિસેમ્બરે સંસદની સુરક્ષામાં થયેલી ચુક મામલે સતત વિરોધ કરી રહ્યા છે. આજે પણ આ મામલે વિપક્ષોએ ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી રહ્યા હતા અને લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળો મચાવ્યો હતો, જેના કારણે લોકસભા અધ્યક્ષે આજે 33 સાંસદોને સસ્પેન્ડ કરી દીધા છે. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ સાંસદોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો, જેને ધ્વનિમતથી મંજૂર કરાયા બાદ લોકસભા અધ્યક્ષે આ નિર્ણય કર્યો છે. અગાઉ વિપક્ષના કુલ 14 સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા. આમ અત્યાર સુધીમાં કુલ 47 સાંસદોને સસ્પેન્ડ કરી દેવાયા છે.