ખેડા જિલ્લામાં નડિયાદ એસીબી દ્વારા સફળ ટ્રેપ કરવામાં આવી છે, જેમાં માતર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એક શિક્ષકના પગારની ફાઈલ અભિપ્રાય આપી જિલ્લાએ મોકલવાના બદલામાં રૂપિયા ૫ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા. જે બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદમાં મીશન રોડ પરના સરકારી ક્વાર્ટરમાં રહેતા અને મુળ ભિલોડા તાલુકાના મેહરુ ગામના કોમલબેન રમણભાઇ કોટડ માતર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવે છે.
માતર તાલુકાની શાળામાં ફરજ બજાવતા શિક્ષકે તૃતીય ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા માટે જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે અરજી કરી હતી. જોકે દસ્તાવેજી પુરાવા તેમજ અરજીમાં કવેરી આવતા શિક્ષકે TPO કોમલબેનનો સંપર્ક સાંધ્યો હતો. શિક્ષકને મળવાપાત્ર તૃતિય ઉચ્ચતર પગાર ધોરણના લાભ બાબતે સેવાપોથીની ક્વેરી સોલ્વ કરી તૃતિય ઉચ્ચતર પગાર ધોરણની ફાઇલ આગળની સંલગ્ન કચેરી ખાતે મંજુર માટે મોકલી આપવા માટે કોમલબેને વ્યવહાર લાંચની માંગણી કરી હતી.
જોકે શિક્ષક કોમલબેનની માંગણીને પૂરી કરવા તૈયાર ન હતા જેથી તેમણે નડિયાદ ACB કચેરીનો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી. શુક્રવારે ACBએ માતર ટીપીઓ કચેરીમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ છટકામાં કોમલબેન રૂપિયા ૫ હજારની લાંચ સ્વીકારતા એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા. નડિયાદ ACB કચેરીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ – યેશા શાહ (નડિયાદ)