વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં થાઇલેન્ડમાં આયોજિત BIMSTEC સમિટમાં ભાગ લઈ રહ્યા છે. આ સમિટમાં પાડોશી દેશ બાંગ્લાદેશના કાર્યકારી સલાહકાર મુહમ્મદ યુનુસ પણ હજાર હતા અને તેમની વિનંતી પર તેમણે રાજધાની બેંગકોકમાં પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરી. આ દરમિયાન બંને નેતાઓએ એકબીજા સાથે ઉષ્માભર્યા હાથ મિલાવ્યા અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા પણ કરી.
ઔપચારિક બેઠક
બાંગ્લાદેશે આ બેઠક માટે ઔપચારિક વિનંતી કરી હતી જેને ભારતે સ્વીકારી લીધી હતી. આ BIMSTEC સમિટની બાજુમાં યોજાયેલી દ્વિપક્ષીય વાતચીત હતી. ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં હાલના તણાવપૂર્ણ તબક્કા વચ્ચે આ બેઠકને એક મહત્વપૂર્ણ રાજદ્વારી પગલું માનવામાં આવી રહ્યું છે. આ પહેલા બંને નેતાઓ થાઈલેન્ડના વડા પ્રધાન પટોંગટાર્ન શિનાવાત્રા દ્વારા આયોજિત રાત્રિભોજનમાં સાથે જોવા મળ્યા હતા.
યુનુસે આપી છે ચીનને લાલચ
બંને નેતાઓની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે મુહમ્મદ યુનુસ તેમની ચીન મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની વાતચીતને લઈને વિવાદમાં છે. ચીનની મુલાકાતે ગયેલા બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે ચીનની ધરતી પર કહ્યું હતું કે ઢાકા આ ક્ષેત્રના સમુદ્રનો એકમાત્ર રક્ષક છે. ચીનને પોતાના દેશમાં રોકાણ કરવા આમંત્રણ આપતી વખતે યુનુસે ભારતની મર્યાદાઓની યાદી આપી હતી અને બાંગ્લાદેશમાં વિશાળ વ્યાપારિક તકો હોવાનું કહીને ચીનને લલચાવ્યું હતું.
ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોનો ઉલ્લેખ કરતા મોહમ્મદ યુનુસે કહ્યું હતું કે ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોને સેવન સિસ્ટર્સ કહેવામાં આવે છે. તે ભૂમિગત દેશો છે ભારતના ભૂમિગત વિસ્તારો છે. તેમની પાસે સમુદ્ર સુધી પહોંચવાનો કોઈ રસ્તો નથી. આ સમગ્ર વિસ્તારમાં બાંગ્લાદેશ એકમાત્ર સમુદ્રનો રક્ષક છે. જોકે પીએમ મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચેની દ્વિપક્ષીય વાટાઘાટો અંગે હજુ સુધી બંને દેશ દ્વારા કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી.
ઓગસ્ટ મહિનાથી હસીના ભારતના શરણે
ઓગસ્ટ 2024 માં શેખ હસીનાને સત્તા પરથી દૂર કર્યા પછી બાંગ્લાદેશમાં હિંસાની ઘટનાઓમાં વધારો થયો છે જેના કારણે દ્વિપક્ષીય સંબંધો પર અસર પડી છે. ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ પર થઈ રહેલા હુમલાઓ અંગે વારંવાર ચિંતા વ્યક્ત કરી છે. વર્ષે 5 ઓગસ્ટે બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાની સરકારના બળવા પછી બંને નેતાઓની આ મુલાકાત પહેલી વાર થઈ છે. બાંગ્લાદેશમાં થયેલા બળવા પછી શેખ હસીના ત્યારથી ભારતમાં રહે છે.