સંસદ ભવન સંકુલના બાલયોગી ઓડિટોરિયમ ખાતે ભાજપ સંસદીય પક્ષની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘ત્રણ રાજ્યોમાં ભારે જીત મેળવી છે એટલુ જ નહી, મિઝોરમ અને તેલંગાણામાં ભાજપની તાકાત અનેકગણી વધી ગઈ છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભારે બહુમત સાથે જીત નોંધાવી છે, તો મિઝોરમ અને તેલંગાણામાં આપણી તાકાત અનેકગણી વધી છે. આ કાર્યકરોની સામૂહિક જીત છે. ટીમ વર્કથી આપણે રાજ્યો જીત્યા છીએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવી જોઈએ. તમામ સાંસદોએ વિકસિત ભારતની યાત્રામાં જોડાવું જોઈએ. ત્રણ રાજ્યોમાં જીત એ આખી ટીમની જીત છે. અગાઉ ભાજપના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
ભાજપના સંસદીય પક્ષની આ બેઠક આવા સમયે થઈ રહી છે. જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીઓની પસંદગી પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠક બાદ આજે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓના નામ પર ચર્ચા થઈ શકે છે. આ માટે આ રાજ્યોના વરિષ્ઠ નેતાઓને પણ દિલ્હી બોલાવવામાં આવ્યા છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિધિયા પણ આજે સવારે દિલ્હી પહોંચી ગયા હતા.
#WATCH दिल्ली में संसदीय दल की बैठक में भारतीय जनता पार्टी के सांसदों ने प्रधानमंत्री नरेंद्र मोदी का स्वागत किया। pic.twitter.com/5358HGXW1f
— ANI_HindiNews (@AHindinews) December 7, 2023
સંસદીય દળની બેઠકમાં પક્ષના તમામ લોકસભા અને રાજ્યસભા સભ્યો ભાગ લે છે. આ મીટિંગ સામાન્ય રીતે જ્યારે સંસદની બેઠક ચાલુ હોય ત્યારે દર અઠવાડિયે યોજાતી રહે છે. સામાન્ય રીતે આવી બેઠકમાં મોદી સહિત પાર્ટીના નેતાઓ સંસદમાં એજન્ડા અને પાર્ટીના સંગઠનાત્મક અને રાજકીય અભિયાનો સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વાત કરે છે.
આ બેઠક એવા સમયે થઈ રહી છે, જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મોટી જીત બાદ ભાજપે હજુ સુધી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી નથી. પાર્ટીને મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં મજબૂત જનાદેશ મળ્યો છે. આનાથી માત્ર તેમના વિરોધ પક્ષો જ નહીં પરંતુ કેટલાક એવા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા જેમણે આ રાજ્યોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસીભરી લડાઈની આગાહી કરી હતી.
પાંચ રાજ્યોના તાજેતરમાં જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસની હારને 2024ની લોકસભા ચૂંટણી માટે એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે તે હવે હિન્દી પટ્ટાના મોટા ભાગના રાજ્યોમાં કોંગ્રેસ સત્તાથી બહાર છે. મધ્યપ્રદેશમાં લગભગ 20 વર્ષથી ભાજપ સત્તામાં છે અને તેણે આ વખતની ચૂંટણીમાં 163 બેઠકો સાથે મજબૂત જનાદેશ મેળવ્યો હતો. જ્યારે કોંગ્રેસ 66 બેઠકો સાથે બીજા ક્રમે છે. ભાજપને રાજસ્થાનમાં 115 અને છત્તીસગઢમાં 54 બેઠકો મળી છે.