મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીના નામને લઈને ચાલી રહેલી સસ્પેન્સનો અંત આવ્યો છે. મોહન યાદવ રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા મનોહર લાલ ખટ્ટર, ડો. કે. લક્ષ્મણ અને આશા લાકરાને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા.
મોહન યાદવ દક્ષિણ ઉજ્જૈન સીટથી ધારાસભ્ય છે. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની નજીક છે. તેઓ શિવરાજ સિંહ ચૌહાણ સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રીનું પદ પણ સંભાળી ચુક્યા છે. ઉજ્જૈન દક્ષિણમાંથી સતત જીત મેળવનારા તેઓ પ્રથમ નેતા છે.
મોહન યાદવ વર્ષ 2013માં પહેલી ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ વર્ષ 2018 માં ફરી ધારાસભ્ય બન્યા હતા અને આ વખત પણ તેઓએ દક્ષિણ ઉજ્જૈન સીટથી જીત મેળવી હતી. મોહન યાદવે વર્ષ 1982માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ માધવ સાયન્સ કોલેજ વિદ્યાર્થી સંઘના સહ-સચિવ તરીકે ચૂંટાયા હતા.
વર્ષ 1984 માં તેમને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ઉજ્જૈનના શહેર મંત્રી બનાવવામાં આવ્યા હતા. અહીં તેમના સારા કામનો પુરસ્કાર મળ્યો અને 1986માં તેમને સંસ્થાના વિભાગીય વડાની જવાબદારી સોંપવામાં આવી. બે વર્ષ બાદ તેમને એબીવીપીના મધ્યપ્રદેશ એકમમાં સહ-સચિવ અને રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.
વર્ષ 2011માં ભાજપે તેમને મધ્યપ્રદેશ રાજ્ય પ્રવાસન વિકાસ નિગમ, ભોપાલના અધ્યક્ષ બનાવ્યા હતા. બે વર્ષ બાદ તેમને પહેલીવાર વિધાનસભા ચૂંટણીની ટિકિટ આપવામાં આવી હતી.