એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 100 ઉપરાંત વિધાર્થિનીઓને મંગળવારની રાત્રે ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનિંગ થતા દોડધામ થઈ ગઈ હતી. મધરાતે પોલીસ જીપ, એમ્બ્યુલન્સ, ખાનગી વાહનો, રિક્ષાઓ એમ જે પણ વાહન મળ્યું તેના થકી 80 જેટલી વિધાર્થિનીઓને સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ભોજન લીધા બાદ વિદ્યાર્થીનીઓને ઝાડા-ઉલટી અને પેટમાં દુખાવાની અસર થતાં દોડધામ મચી જવા પામી હતી અને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને ચીફ વોર્ડન સહીતના લોકો સયાજી હોસ્પિટલમાં દોડી ગયા હતા. હાલમાં વિદ્યાર્થીઓની તબિયતમાં સુધારો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોટાભાગની વિધાર્થિનીઓ હોસ્ટેલમાં એસ.ડી હોલમાં રહે છે. તેમણે મંગળવારે રાત્રે ભોજનમાં પનીરનું શાક, રોટલી અને ખીર જેવી વાનગીઓ ખાધી હતી. રાત્રે 11 વાગ્યા બાદ વિધાર્થિનીઓને પેટમાં દુખાવા અને ઉલટી થવા માંડી હતી. હોસ્ટેલમાં વોર્ડનને આ બાબતની જાણ કરાઈ હતી. ત્યાં સુધીમાં સેંકડો વિધાર્થિનીઓ બીમાર થઈ ગઈ હતી.
પ્રાથમિક તબક્કે વાસી ભોજન કે બગડેલી વાનગીઓ પીરસવામાં આવી હોવાથી ફૂડ પોઈઝનિંગ થયું હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. મેસ કોન્ટ્રાકટરની બેદરકારીની છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે તેવું હાલમાં સત્તાધીશોનું કહેવું છે.
ઘટના બાદ આજે (બુધવારે) વહેલી સવારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ એન્ડ ડ્રગ્સ અને પોલીસની ઘટનાસ્થળે પહોંચી સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. મેસના રસોડામાંથી હલકી કક્ષાના બટાકા અને ડુંગળી મળી આવ્યા હતા. આ અંગે ફૂડ સેફ્ટી અધિકારીએ જણાવ્યું હતું કે,આરોગ્ય વિભાગની ટીમ મેસની તપાસ અર્થે પહોંચી તો સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. જેથી અમે નોટીસ ફટકારીશું. ત્રણ જેટલા ફૂડ ઇન્સ્પેક્ટર તપાસ કરી રહ્યા છે વિવિધ નમૂના લેવામાં આવી રહ્યા છે. આ સાથે એફએસએલની ટીમ પણ સાથે જોડાઇ છે.