યુવાનો દેશની તસવીર અને તાસીર બદલવા સક્ષમ
ગુજરાતના વિકાસ, સુખાકારીથી સૌને પરિચિત કરાવવા માટે યુથ એક્સચેન્જનો ઉમદા પ્રયાસ
દેશના તમામ રાજ્યોમાંથી આવીને વસેલા ભારતીય નાગરિકોથી સુરત શહેર વિવિધતામાં એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ
કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય દ્વારા તા.૪ થી ૧૦ જાન્યુ. દરમિયાન આયોજિત યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ: ગુજરાતની શાંતિ અને સલામતી અને વિકાસની અનુભૂતિ કરશે આદિવાસી યુવાનો
બારડોલી..તા. શુક્રવાર.તા.૦૫ કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય તેમજ ગૃહ મંત્રાલયના ઉપક્રમે તા.૪ થી ૧૦ જાન્યુઆરી દરમિયાન આયોજિત ૧૫મા આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનો શુભારંભ સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યો હતો. ઝારખંડ રાજ્યના ચતરા, ગિરીડિહ, લાતેહાર, વેસ્ટ સિંઘભૂમ, સરાઈકેલા, ખરવાસા જિલ્લા, ઓડિશા રાજ્યના મલકાનગીરી, કાલાહાંડી જિલ્લા, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ તેમજ તેલંગાણા રાજ્યના ભદ્રાદી- કોથાગુદેમ જિલ્લાઓમાંથી કુલ ૨૨૦ આદિવાસી યુવાઓ ભાગ લઈ રહ્યા છે.
સુરત જિલ્લાના કામરેજ સ્થિત દાદા ભગવાન ત્રિમંદિર ખાતે આયોજિત સમારોહમાં સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાત અને એમાં પણ સુરત શહેર અને જિલ્લો શાંતિ અને સલામતીનું પ્રતિક રહ્યા છે. ચાર રાજ્યોમાંથી આવેલા આદિજાતિ યુવાનો રાજ્યની અભૂતપૂર્વ શાંતિ, સુખાકારી અને વિકાસની અનૂભૂતિ કરી પ્રગતિની શક્તિને સમજશે.
પોતપોતાના ગામ, શહેરમાં જઈ ગુજરાતના વિકાસ, સુખાકારીથી સૌને પરિચિત કરાવે એ માટેનો યુથ એક્સચેન્જનો આ પ્રયાસ છે એમ જણાવી તેમણે પોતાના વતન જઈ ગુજરાતની અસ્મિતાની સુવાસ ફેલાવવાનો સર્વ યુવાનોને અનુરોધ કર્યો હતો.
ભારત મહત્તમ યુવાશક્તિ ધરાવતો દેશ છે. દેશની વસ્તીના વિવિધ વયજૂથમાં યુવાનોનું પ્રમાણ સૌથી વધુ છે, ત્યારે યુવાનો જ દેશની તસવીર અને તાસીર બદલવા સક્ષમ છે એમ જણાવી સાંસદએ ગુજરાતની મુલાકાત આ યુવાનો માટે અવિસ્મરણીય અનુભવ બની રહેશે એમ ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે, લઘુ ભારત સમાન સુરતમાં દેશના તમામ રાજ્યોમાંથી આવેલા ભારતીય નાગરિકો વસે છે, એટલે જ સુરત વિવિધતામાં એકતાનું પણ શ્રેષ્ઠ ઉદાહરણ છે. પ્રભુ ભાઈ વસાવાએ મેરા ભારત પોર્ટલ MyBharat.Gov.in (https://mybharat.gov.in) માં વધુને વધુ રજિસ્ટ્રેશન કરીને જોડાવાનું ઉપસ્થિત સૌ યુવાનોને આહ્વાન કર્યું હતું.
નેહરૂ યુવા કેન્દ્ર, સુરતના જિલ્લા યુવા અધિકારી સચિન શર્માએ મહાનુભાવો અને આદિવાસી યુવાઓને આવકારી સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. એક સપ્તાહ દરમિયાન આ યુવક-યુવતિઓ સુરત શહેર તથા જિલ્લાના પ્રવાસન સ્થળો, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત, ગુજરાતની કલા-સંસ્કૃતિનું આદાન-પ્રદાન, રહેણીકરણી, યોજનાકીય માહિતીઓની જાણકારી, રાજ્યની શાંતિ અને સલામતીના કારણે ગરવી ગુજરાતની અભૂતપૂર્વ પ્રગતિ, સંસ્કૃતિ, જીવનશૈલી, ભાષાની ઝાંખી કરશે એની વિગતો તેમણે આપી હતી.
નોંધનીય છે કે, ૨૨૦ આદિવાસી યુવાઓ સુરતના ઐતિહાસિક અને ઔદ્યોગિક સ્થળો, ડેરી ઉદ્યોગ તેમજ સરકારી કચેરીઓ સહિત આઈકોનિક સ્થળોની મુલાકાત લેશે. તેમનામાં કૌશલ્ય, એકતા અને વિકાસના ગુણો ખીલે તે માટે તાલીમસત્ર, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભાષણ પ્રતિયોગિતા યોજાશે.
આ પ્રસંગે પ્રાંત અધિકારી વી.કે. પીપળીયા, મામલતદાર આર.એસ.ઠાકોર, તાલુકા વિકાસ અધિકારી એસ.જી.પટેલ, કામરેજ પોલીસ ઈન્સ્પેક્ટર જાડેજા, સુમુલ ડેરીના ડિરેક્ટર બળવંતભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.