ગ્રીન સિટી અને સ્માર્ટ સિટીના સ્વપ્નને સાકાર કરવા માટે સફાઈ કામદારોની ભૂમિકા મહત્વપૂર્ણ – શ્રીમતી અંજના પવાર
રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ શ્રી અંજના પવાર ની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત, નડિયાદ ખાતે ધી પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર એન્ડ ધેર રીહેબિલિટેશન એક્ટ-૨૦૧૩ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ સહિત ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લાના સફાઈ કામદારો આ બેઠકમાં જોડાયા હતા. શ્રીમતી અંજના પવારે જિલ્લાના સફાઈ કામદારોના વિવિધ પ્રશ્નો બાબતે સીધો સંવાદ કરી સફાઈ કર્મચારીઓના કલ્યાણ હેતુ કામગીરી કરવા માર્ગદર્શક સૂચનાઓ આપી હતી.
શ્રીમતી અંજના પવારે ખેડા જિલ્લામાં સફાઈ કર્મચારીની ભરતી, પ્રમોશન, પેન્શન, લઘુતમ વેતન, સ્વાસ્થ્ય, શિક્ષણ, સુરક્ષા, પગાર સ્લીપ, બેઠક વ્યવસ્થા, રહેમરાહે નિયુક્તિ, આવાસ નિર્માણ, લોન વ્યવસ્થા, ડ્રેનેજ સફાઈ સહિતના મેન્યુઅલ સ્કેવેન્જર્સ એક્ટ ૨૦૧૩ અંતર્ગત સમાવિષ્ટ થતી વિવિધ બાબતોની જીણવટ પૂર્વક સમીક્ષા કરી કર્મચારીઓની મુશ્કેલીઓના નિવારણ માટે માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. સફાઈ કામદારોને સરકારની વિવિધ યોજનાઓના લાભ આપવા માટે જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે કોરોના કાળમાં મુશ્કેલીના સમયે સફાઈ કામદારો એ કોરોના વોરિયર તરીકે પોતાની સેવાઓ પૂરી પાડી હતી. સરકારના ગ્રીન સિટી અને સ્માર્ટ સિટીના સ્વપ્નને સાકાર કરવા માટે સફાઈ કામદારોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. સફાઈ કામદારોની સમસ્યાઓ પ્રત્યે માનવીય મૂલ્યો સાથે કામગીરી કરવા અધિકારીઓને તેમણે અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવે સફાઈ કામદારોના જિલ્લા કક્ષાના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા અને નીતિવિષયક પ્રશ્નોની રાજ્ય કક્ષાએ રજૂઆત કરવા માટે રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ. ડી. વસાવા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી લલિત પટેલ, ઉચ્ચ અધિકારીઓ, તમામ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓ, ખેડા જિલ્લા સફાઈ કામદારના યુનિયન પ્રમુખશ્રી, અન્ય આગેવાનો સહિત જિલ્લાના સફાઈ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.