દેશના દિગ્ગજ બિઝનેસમેન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને એરટેલના સુનીલ ભારતી મિત્તલ ફરી એક વાર આમને-સામને આવી ગયા છે. આવનારા સમયમાં દેશમાં ઈન્ટરનેટની કનેક્ટિવિટી સેટેલાઈટ દ્વારા થશે. ત્યારે ટેલીકોમ કંપનીઓ સેટેલાઈટ ઈન્ટરનેટને લઈ તૈયારીઓમાં લાગી પડી છે. જિયો અને એરટેલ બંને જ કંપનીઓ પોતાના ગ્રાહકોનો ઝડપીમાં ઝડપી સેટેલાઈટ ઈન્ટરનેટની સુવિધા આપવા ઈચ્છે છે. ત્યારે ભારતી એરટેલની વન વેબને સેટેલાઈટ ઈન્ટરનેટ માટે જરૂરી મંજૂરી મળી ચૂકી છે. જણાવી દઈએ કે IN-SPACe એક સરકારી એજન્સી છે. આ સ્પેસ એક્ટિવિટને રેગ્યુલેટ કરવા અને દેશમાં સ્પેસ એક્ટિવિટીના સંચાલન માટે પરમિશન આપવા માટે જવાબદાર છે.
કોને મળી પ્રથમ મંજૂરી?
એરટેલને IN-SPACeની મંજૂરી મળી છે. આ દેશની પ્રથમ એવી કંપની છે, જેને IN-SPACeની મંજૂરી મળી હોય. એરટેલ ગ્રામીણ અને અનકનેક્ટેડ એરિયામાં ઈન્ટરનેટ સુવિધા પુરી પાડવા ઈચ્છે છે. કંપનીની તૈયારી લોકોને હાઈસ્પીડ અને લો લેટેન્સી ઈન્ટરનેટ આપવાની છે. આ તરફ જિયોના માલિક અંબાણીની હવે સેટેલાઈટ ઈન્ટરનેટના ક્ષેત્રમાં સીધી ટક્કર સુનિલ મિત્તલની એરટેલ સામે થવા જઈ રહી છે.
જો કે ભારતમાં હાલમાં સેટકોમ બજાર શરૂઆતના તબક્કામાં છે પણ ગ્રામીણ અને દુરના વિસ્તારોમાં તેની સંભાવનાઓ ખુબ જ વધારે છે. મીડિયા રિપોર્ટસ મુજબ ભારતની અંતરિક્ષ અર્થવ્યવસ્થા 6 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દરથી વધતા 2025 સુધી 13 બિલિયન ડોલર સુધી પહોંચવાનું અનુમાન છે.
રિલાયન્સ પણ કરી રહ્યું છે તૈયારી
દેશના અંતરિયાળ વિસ્તારોમાં હાઈ-સ્પીડ ઈન્ટરનેટની સુવિધા પુરી પાડવા માટે રિલાયન્સ જિયોએ એક નવી ટેક્નોલોજી લોન્ચ કરી છે. આ ટેક્નોલોજીનું નામ ‘જિયો સ્પેસ ફાઈબર’ છે. જિયો સ્પેસ ફાઈબરને સમગ્ર દેશમાં સસ્તામાં સુવિધા ઉપલબ્ધ કરાવવાની તૈયારી છે.